Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

આઇપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા માટે ટેન્ડર બહાર પાડયું : ટીમો ૩ થી ૪ હજાર કરોડ સુધીમાં વેચાય તેવી શક્યતા

બે નવી ટીમોની ખરીદી માટે કોર્પોરેટ જાયન્ટ્સમાં ભારે રસપ્રદ સ્પર્ધા યોજાશે : આઇપીએલમાં ૨૦૨૨થી આઠના બદલે ૧૦ ટીમો વચ્ચે મુકાબલો જામશે

નવી દિલ્હી :ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા માટેનું ટેન્ડર બહાર પાડી દીધું છે. તેની બેઝપ્રાઈઝ બે હજાર કરોડ નક્કી કરવામાં આવી છે. જોકે, આઇપીએલની ભારે લોકપ્રિયતા જોતા બે નવી ટીમોની ખરીદી માટે કોર્પોરેટ જાયન્ટ્સમાં ભારે રસપ્રદ સ્પર્ધા યોજાશે અને ટીમો ૩ થી ૪ હજાર કરોડ રૃપિયા સુધીમાં વેચાય તેવી શક્યતા પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયાએ વ્યક્ત કરી છે.

આઇપીએલમાં ૨૦૨૨થી આઠના બદલે ૧૦ ટીમો વચ્ચે મુકાબલો જામશે. બીસીસીઆઇએ નવી ટીમોના ઈ-બિડિંગની જાહેરાત કરી છે અને ૨૫મી ઓક્ટોબરે નવી ટીમોના નામ નક્કી થઈ જશે. આઇપીએલની બે નવી ટીમોમાં એક અમદાવાદ હશે તે નક્કી જેવુ જ મનાય છે.

પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયાએ એક મુલાકાતમાં કહ્યું કે, નવી ટીમોના આગમનને કારણે આઇપીએલનું મૂલ્ય વધશે તેની સાથે સાથે તમામ ફ્રેન્ચાઝીઓની કિંમતમાં પણ વધારો થશે. હાલના તબક્કે તો બોર્ડે નવી ટીમોની બેઝ પ્રાઈઝ બે હજાર કરોડ રૃપિયા નક્કી કરી છે. જોકે મને લાગે છે કે, બે ટીમોની હરાજીમાં નાણાનો વરસાદ થશે. નવી ટીમો બેઝ પ્રાઇઝની ૫૦ થી ૧૦૦ ગણી કિંમતે વેચાશે. આશા છે કે એક ફ્રેન્ચાઈઝીની કિંમત ઓછામાં ઓછી ત્રણ હજાર કરોડથી વધુની રહેશે. ટૂંકમાં બોર્ડને હરાજી થી ૬ થી ૮ કરોડ રૃપિયાની આવક થઈ શકે.

વાડિયાએ કહ્યું કે, બધાને આઇપીએલમાં જોડાવું છે, પણ જૂજ લોકો જ તેમાં સામેલ થઈ શક્યા છે. નવી ટીમોના આગમનથી વર્તમાન ટીમોને કોઈ અસર નહીં થાય તેમ જણાવતા વાડિયાએ ઊમેર્યું કે, નવી ટીમોના આગમનથી બધાને ફાયદો થશે. નવી ટીમો આવી રહી છે, તે આઇપીએલ માટે સારુ છે. આનાથી આઈપીએલની વૃદ્ધિ થશે. આઇપીએલ પ્રીમિયર પ્રોડક્ટ છે અને હવે જ્યારે લીગ ૧૦ ટીમોની થશે, ત્યારે પ્રત્યેક ફ્રેન્ચાઈઝીની કિંમતમાં પણ વધારો થશે.

આવતા વર્ષથી લીગમાં બે વધુ ટીમો જોડાવા જઈ રહી છે. આ આઇપીએલમાં જોડાવા માંગતા લોકો માટે અંતિમ તક સમાન છે. આવતા વર્ષથી લીગ ૧૦ ટીમોની થઈ જશે અને ત્યાર બાદ આઠ-દસ વર્ષ સુધી તો નવી ટીમોને કોઈ અવકાશ નહીં રહે તે નક્કી છે. પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયાએ કેરેબિયન પ્રીમિયર લીગમાં સેંટ લ્યુસિયાની ટીમ ખરીદી છે. ટ્રિનીદાદ અને ટોબેગો અને બાર્બાડોસ ટીમના માલિકો પણ આઇપીએલમાં ટીમો ધરાવે છે.

(11:15 pm IST)