Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ગૃહ રાજ્યમંત્રીનું રાજીનામું અને તેમના પુત્રની ધરપકડ ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરીશું : પ્રિયંકા ગાંધીનો હુંકાર

પ્રિયંકા ગાંધીએ ફોન દ્વારા PAC ગેસ્ટ હાઉસની બહાર ઉભેલા સમર્થકોને સંબોધ્યા અને કોંગ્રેસના કાર્યકરોને વચન આપ્યું કે તે છૂટી ગયા પછી દરેકને મળશે.

નવી દિલ્હી :  કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના સીતાપુરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન મંગળવારે તેમણે ફોન દ્વારા PAC ગેસ્ટ હાઉસની બહાર ઉભેલા સમર્થકોને સંબોધ્યા અને કોંગ્રેસના કાર્યકરોને વચન આપ્યું કે તે છૂટી ગયા પછી દરેકને મળશે. આ સાથે જ તેમણે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ ઉઠાવી હતી.

લોકોને સંબોધતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું, “તમે સમજો છો કે એક ખેડૂત છે તો બધા છે, આજે પણ માત્ર એક ખેડૂતનો પુત્ર દેશ માટે પોતાનો જીવ ગુમાવે છે, અમે તેને શહીદ કહીએ છીએ. આજે એવી ડરપોક સરકાર છે જેના ગૃહમંત્રી જનતાને ડરાવે છે, તેનો પુત્ર તેને કારથી કચડી નાખે છે, વિપક્ષની એક મહિલા નેતાને રોકવા માટે સમગ્ર પ્રશાસન કામે લાગી જાય છે, તમારી નૈતિકતા ક્યાં છે?”

તેમણે કહ્યું, “એક જૂનો શ્લોક છે, પ્રજાની રક્ષા કરવી રાજાની ફરજ છે, મોદીજી 100 કિમી દૂર અમૃતોત્સવ ઉજવવા આવ્યા હતા, પરંતુ ખેડૂતોના આંસુ લૂછવા માટે લખીમપુર-ખીરી પહોંચ્યા ન હતા. તમે મને જેટલું દબાવશો, એટલા જ મજબૂત બનીશું. મને કોંગ્રેસના સાથીઓને જણાવવા દો કે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામા અને તેમના પુત્રની ધરપકડ સુધી સંઘર્ષ ચાલુ રહેશે, હું છુટ્યા બાદ તમને મળીશ.”

પ્રિયંકા ગાંધી વાડ્રા, દીપેન્દ્ર હુડ્ડા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ સહિત 11 નેતાઓ સામે ફોજદારી પ્રક્રિયા સંહિતા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાની કસ્ટડી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું કે શાંતિ ભંગની આશંકા માટે નિવારક અટકાયત સંબંધિત કલમો હેઠળ તેમના અને અન્ય 10 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાની લખીમપુર ખેરી ઘટનાના પીડિતોને મળવા જતા રસ્તામાં સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી, તેઓ હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે. પ્રિયંકા તેમના સાથી નેતાઓ સાથે મૃતક ખેડૂતોના પરિજનોને મળવા સોમવારે વહેલી સવારે લખીમપુર ખીરી જવા રવાના થયા હતા, પરંતુ રસ્તામાં સીતાપુર ખાતે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા.

(10:56 pm IST)