Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ભુલથી યૂઝર્સના ખાતામાં ૬૫૦ કરોડ જમા થઈ ગયા

વિશ્વભરમાં ક્રિપ્ટો કરન્સીનું વધી રહેલું ચલણ : કંપનીના સીઈઓ રોબર્ટ લેશનર યુઝર્સને રકમ પાછી આપવા માટે કરગરી રહ્યા છે, પગલાની પણ ચેતવણી

નવી દિલ્હી, તા.૫ : ક્રિપ્ટો કરન્સીનુ ચલણ વધી રહ્યુ છે અને ખાસ કરીને યુવા વર્ગમાં તેનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. દુનિયામાં ઘણા દેશોના રોકાણકારો હવે આ પ્રકારની કરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. જોકે તેની વચ્ચે એક એવી ઘટના બની છે જેના કારણે ઘણા લોકોને અચાનક જ લોટરી લાગી ગઈ છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કમ્પાઉન્ડ નામના ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સ પ્લેટફોર્મને અપડેટ કરવામાં આવી રહ્યુ હતુ તે દરમિયાન સોફટવેરમાં કોઈ ભૂલ થઈ જતા કેટલાક યુઝર્સને ભૂલથી ૯૦ મિલિયન ડોલર એટલે કે ૬૫૦ કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર થઈ ગઈ હતી. હવે કંપનીના સીઈઓ રોબર્ટ લેશનર યુઝર્સને કરગરી રહ્યા છે કે, તમારા એકાઉન્ટમાં આ કરન્સી ભૂલથી જમા થઈ ગઈ છે અને તેને મહેરબાની કરીને પાછી આપી દો. સાથે સાથે તેમણે ચેતવણી આપી છે કે, જે યુઝર કરન્સી પાછી નહીં આપે તેની સામે સબંધિત ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવશે. ગયા મહિને પણ એક હેકરે આ પ્રકારના ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સ પ્લેટફોર્મમાં ઘૂસણખોરી કરીને ૬૦૦ મિલિયન ડોલરની કિંમતના ક્રિપ્ટો કરન્સીના ટોકન ઉડાવી દીધા હતા. જોકે તેણે એ બાદ ટોકન પાછા આવી દીધા હતા.

(9:00 pm IST)