Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ચાર ધામ યાત્રા પર ભાવિકોની સંખ્યાનું નિયંત્રણ ઊઠાવાયું

શ્રધ્ધાળુઓ માટે રાહતના સમાચાર : કોર્ટે હવે તમામ નિયંત્રણ ઉઠાવી લીધા અને ચાર ધામમાં મેડિકલ સુવિધા પણ રાખવી પડશે, વેક્સિનેશન ફરજિયાત

બદ્રીનાથ, તા. : કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ હવે ગમે તેટલા ભાવિકો ચાર ધામની યાત્રા કરી શકશે. ભાવિકોની સંખ્યા પરનુ નિયંત્રણ ઉઠાવી લેવાનો ઉત્તરાખંડ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. પહેલા હાઈકોર્ટે ત્રણ સપ્તાહ અગાઉ ચાર ધામ યાત્રાને શરત સાથે મંજૂરી આપી હતી અને કહ્યુ હતુ કે, કેદારનાથમાં ૮૦૦, બદ્રીનાથમાં ૧૦૦૦, ગંગોત્રીમાં ૬૦૦ અને જન્મોત્રીમાં ૪૦૦ ભાવિકો એક દિવસમાં દર્શન માટે જઈ શકશે. જોકે પછી પણ ભાવિકો મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા હોવાથી અવ્યવસ્થા સર્જાઈ રહી હતી.

ભાવિકોને તંત્ર દ્વારા પાછા પણ મોકલવા પડતા હતા. જેના પગલે સરકારે કોર્ટ સમક્ષ વધારે ભાવિકોને દર્શન કરવા મંજૂરી અપાય તેવી અપીલી કરી હતી.

જોકે કોર્ટે હવે તમામ નિયંત્રણ ઉઠાવી લીધા છે અને સાથે સાથે ચાર ધામમાં મેડિકલ સુવિધા પણ રાખવી પડશે. જોકે ભાવિકોએ પણ યાત્રા કરવા માટે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે તેવુ સર્ટિફિકેટ રાખવુ પડશે. યાત્રા દરમિયાન કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવાની જરૂર નહીં પડે. કોર્ટના આદેશથી રાજ્યના વેપારીઓને પણ રાહત મળશે. કારણકે બે વર્ષથી તેમનો વ્યવસાય પણ ઠપ થયો હતો.

(7:13 pm IST)