Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સામુહિક સભાઓ સંભવિત ત્રીજી લહેરને બનાવી શકે છે ભયાનક

બિન જરૂરી પ્રવાસો ટાળવા પર મુકયો ભાર : પ્રવાસીઓની સંખ્યામાં વધારા અંગે પણ નિષ્ણાંતોની ચિંતા

નવી દિલ્હી, તા.૫: નિષ્ણાંતોએ જરૂરી અને જવાબદાર યાત્રા પર ભાર મુકતા ચેતવણી આપી છે કે પ્રવાસીઓની સંખ્યામાં વધારો અને સામાજીક, રાજકીય કે ધાર્મિક કારણોથી થતી સામુહીક સભાઓના કારણે કોરોના સંક્રમણના કેસો વધી શકે છે જેનાથી કેટલાક રાજયોમાં સંભવિત ત્રીજી લહેરની સ્થિતી ભયાનક થઇ શકે છે.

ભારતમાં વસ્તીની ધનતા અમેરિકાની સરખામણીમાં વધારે હોવાને ધ્યાનમાં રાખીને રિસર્ચરોએ કહ્યું કે રજાઓની એક મુદત સંભવિત ત્રીજી લહેરની શકયતાને ૧૦૩ ટકા વધારી શકે છે અને લહેરમાં સંક્રમણના કેસ ૪૩ ટકા સુધી વધી શકે છે.

રિસર્ચરોએ કહ્યું કે પર્યટકોની સંખ્યામાં વધારો અને સામાજીક, રાજકીય અથવા ધાર્મિક કારણે થતી સામુહિક સભાઓથી વસ્તીની ધનતામાં થતો અચાનક વધારો ત્રીજી લહેરની સ્થિતીને ખરાબ કરી શકે છે. હિમાચલ પ્રદેશના આંકડાઓથી જાણવા મળે છે કે સામાન્ય રજાઓની મોસમમાં પ્રવાસીઓ ત્યાંની વસ્તીમાં ૪૦ ટકા વધારો કરી શકે છે. રિસર્ચરોએ કહ્યું કે આને ધ્યાનમાં રાખીએ તો સામાન્ય સ્થિતીની તુલનામાં રજાની સીઝનમાં ત્રીજી લહેરની સ્થિતી ૪૭ ટકા સુધી વધી શકે છે.

મનાલી અને દાર્જીલીંગ જેવા લોકપ્રિય પર્યટન સ્થળોનું ઉદાહરણ આપતા રિસર્ચરોએ કહ્યું કે અમારા અવલોકનો આ  વિસ્તારોમાં સંક્રમણની વધી રહેલી આશંકાના સંકેત આપે છે. ત્યાંની વસ્તીમાં ઇમ્યુનીટી હજુ દેશની અન્ય જગ્યાઓના લેવલ સુધી નથી પહોંચી. રિસર્ચરોએ એટલે યાત્રા જવાબદારીપુર્વક કરવા અને માસ્કનો ઉપયોગ તથા સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવા પર ભાર મૂકયો છે.

(3:23 pm IST)