Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

જેકી ચેનનો પુત્ર ડ્રગ્સના કેસમાં પકડાયો, તો તેણે પ્રોપર્ટીમાંથી બેદખલ કર્યો : શાહરુખ શું કરશે?:સોશિયલ મીડિયામાં સવાલ

જેકી ચેને પોતાના પુત્રને છોડાવવા માટે કોઇ પણ પ્રકારની કાયદાકીય કે નાણાંકીય મદદ નહોતી કરી : શાહરુખ તેનો પુત્ર જો ગુનેગાર સાબિત થાય તો તેને શું સજા આપશે ? શું શાહરુખ પોતાના દિકરાને બચાવશે ?

મુંબઈ : બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાનના દિકરાની પણ NCB દ્વારા ડ્રગ્સના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટે આર્યન ખાન અને તેના મિત્રોના રિમાન્ડ 7 ઓક્ટોબર સુધી લંબાવ્યા છે. હવે NCB આગામી ત્રણ દિવસમાં દરેકની વધુ પૂછપરછ કરશે.

સુનાવણી દરમિયાન એનસીબીએ જણાવ્યું કે તેમને આર્યનના મોબાઈલમાંથી ચોંકાવનારા ફોટા મળ્યા છે. ફોટોમાંથી ઘણી ચોંકાવનારી માહિતી પણ બહાર આવી છે. આ કારણે NCBએ ડ્રગ્સ રેકેટની તપાસ માટે આર્યનની કસ્ટડી જરૂરી ગણાવી છે. NCBએ કહ્યું કે ક્રુઝ પાર્ટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલી છે. આ સાથે કહેવામાં આવ્યું કે ડ્રગ્સ લેવા માટે કોડ વર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જોઈને સરકારી વકીલે 11 ઓક્ટોબર સુધી તમામ આરોપીઓની કસ્ટડીની માંગણી કરી હતી.

 

આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ ખાનનો બચાવ કરતા કહ્યું કે, સર્ચ દરમિયાન આર્યન પાસેથી કોઈ પ્રતિબંધિત સામગ્રી મળી નથી. તેને અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેની પાસે બોર્ડિંગ પાસ પણ નહોતો.

આ બધા વચ્ચે શાહરુખ ખાનની છબી ખરડાતી જોવા મળી રહી છે. તેવામાં સમગ્ર દેશની નજર એ વાત પર છે કે શું આર્યન ખાનનો ગુનો સાબિત થશે ? શું તે ગુનેગાર સાબિત થશે ? તેવામાં હવે સુપર સ્ટાર જેકી ચેનનો દાખલો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે 2014 માં ચીનની સરકારે દેશમાં ડ્ર્ગ્સના રેકેટ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાન જેકી ચેનનો પુત્ર જેસી ચેનની પોલીસ દ્વારા ડ્રગ્સ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં તેને છ મહિનાની જેલની સજા અને 23 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

જેસી ચેન પકડાયો તેનાં પાંચ વર્ષ પહેલાંથી જ તેમના પિતા જૅકી ચેન ચાઇનીઝ પોલીસના 'નાર્કોટિક્સ કંટ્રોલ એમ્બેસેડર' હતા. તેવામાં પોતાનો જ દિકરો આ પ્રકારના ગુનામાં પકડાતા જેકી ચેને તેને કડક સજા આપી હતી. તેણે પોતાના પુત્રને છોડાવવા માટે કોઇ પણ પ્રકારની કાયદાકીય કે નાણાંકીય મદદ નતી કરી

 

પોતાના દિકરાની હરકતથી દુખી પિતાએ બદલ ચાઇનીઝ સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું કે, 'હું મારા દીકરાની આ હરકત પર શરમ અનુભવું છું, આઘાતમાં છું અને તેના પર અત્યંત ગુસ્સે છું. માતા-પિતા તરીકે અમે બંને દુઃખી અને હાર્ટબ્રોકન છીએ.'

દિકરાની આ હરકત બાદ જેકી ચેને મીડિયામાં જાહેરાત કરી હતી કે તેના દિકરીએ ભૂલ કરી છે અને તેને સજા પણ મળશે. તેમણે જાહેરાત કરી હતી કે તે પોતાની પ્રોપર્ટીમાંથી ફૂટી કોડી પણ હવે તેના દિકરાને નહીં આપે. જો જેકી ચેનની પ્રોપર્ટીની વાત કરીએ તો તે લગભગ 30 અબજ રૂપિયા જેટલી થાય છે. માટે જેસી ચેનને ડ્રગ્સ લેવા કેટલા મોંઘા પડ્યા એ વાતનો અંદાજો તમે લગાવી શકો છો.

 

જેકી ચેનનો આ કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો હવે શાહરુખ ખાન પોતાના દિકરાને લઇને શું નિર્ણય લેશે તેની રાહ જોઇ રહ્યા છે. લોકો સોશિયલ મીડિયામાં પુછી રહ્યા છે કે એક બાપ તરીકે શાહરુખ તેનો પુત્ર જો ગુનેગાર સાબિત થાય તો તેને શું સજા આપશે ? શું શાહરુખ પોતાના દિકરાને બચાવશે ?

(2:32 pm IST)