Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

કોરોના રસી મુકવા નનૈયો ભણનાર ૧૪૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા

અમેરિકાના ન્યુયોર્કની હેલ્થકેર કંપનીનો મોટો નિર્ણય : અમારૂ લક્ષ્ય તમામને વેકસીન આપવાનું હતુ, નહીં કે છુટા કરવાનુ : નોર્થવેલ હેલ્થ

ન્યુયોર્ક, તા. પ :  કોરોના મહામારીને હરાવવા માટે રસીમાંથી મોટુ હથિયાર છે. વિશ્વના દેશોમાં રસીકરણ અભિયાન જોર-શોરથી ચાલી રહ્યું છે, ત્યારે ઘણા લોકો એવા છે જેને વેકસીન ઉપર શંકા છે. આવો જ એક કિસ્સો અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં બન્યો છે. આ કિસ્સામાં કંપનીના ૧૪૦૦ કર્મચારીઓએ વેકસીન લેવાની ના પાડતા તમામને નોકરીમાંથી કાઢી મુકયા છે.

ખબર મુજબ ન્યુયોર્કના સૌથી મોટા હેલ્થકેર પ્રોવાઇડર નોર્થવેલ હેલ્થ સાથે જોડાયેલ કિસ્સામાં ૧૪૦૦ એવા કર્મચારીઓએ રસી લેવાની ના પાડતા કંપનીએ બધાને છુટા કરી દીધા હતા. કંપનીના પ્રવકતાએ આ ઘટના સાર્વજનીક કરી છે. ન્યુયોર્કમાં હેલ્થકેર કર્મચારીઓને રસી મુકાવવી ફરજીયાત કરવામાં આવી છે.

કંપનીના કર્મચારીઓએ આ હુકમનું પાલન કરવા નનૈયો ભણતા નોકરીમાંથી હાથ ધોવા પડયા છે. નોર્થવેલના જણાવ્યા મુજબ અમે અમારા કલીનીકલ અને નોન કલીનીકલ સ્ટાફ માટે રસી ફરજીયાત કરી હતી. અમારૂ લક્ષ્ય તેમને છુટા કરવાનું નહીં પણ તમામને વેકસીન આપવાનું હતું.

(12:58 pm IST)