Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

બાઘા'થી ના રહેવાતાં ખરાબ તબિયત છતાં નટુકાકાના અંતિમ દર્શન કરવા માટે સીધો જ પહોંચ્યો સ્મશાને.

નટુકાકાની દીકરી તન્મયને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આ સમયે તન્મય પણ રડવા લાગ્યો

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું રવિવારે ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના અંતિમ સંસ્કાર 4 ઓક્ટોબરના રોજ સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાઘા ઉર્ફે તન્મય વેકરિયા સીધો જ સ્મશાન પહોંચ્યો હતો. અહીં નટુકાકાની દીકરી તન્મયને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આ સમયે તન્મય પણ રડવા લાગ્યો હતો. જેને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું અને આસપાસમાં ઊભેલા પરિવારના સભ્યો પણ રડી પડ્યા હતા. દીકરીને માંડ માંડ તન્મય તથા પરિવારના અન્ય સભ્યોએ શાંત પાડી હતી.

નટુકાકાની અંતિમ વિધીમાં તેમના 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જોડીદાર 'બાઘા'ની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. 'બાઘા'નો રોલ કરનારા તન્મય વેકરીયા નટુકાકાના અંતિમ દર્શને ઘરે આવી શક્યો નહતો. તેનું કારણ એ છે કે, વેકરીયા પોતે બિમાર છે.

વેકરીયાએ રવિવારે સાંજે મીડિયાને જણાવ્યું હતું કે, મને મેલેરિયા થઇ ગયો છે અને અતિશય નબળાઈ આવી ગઈ છે. ડોક્ટરે મને સંપૂર્ણ આરામની સલાહ આપી છે. મારે નટુકાકાના અંતિમ દર્શન કરવા માટે જવું છે પણ હું જઈ શકીશ નહીં એવું મને લાગે છે કેમ કે મને ભયંકર નબળાઈ આવી ગઈ છે. વેકરીયાએ કહ્યું કે, નટુકાકાનું સાંજે 5.30 કલાકે નિધન થયું અને 5.45 કલાકે તેમના પુત્ર વિકાસે મને ફોન કરીને જાણ કરી હતી.

તન્મય વેકરીયાએ કહ્યું કે, રવિવારે સાંજે પોણા છ વાગ્યે ઘનશ્યામભાઈના દીકરા વિકાસનો મને ફોન આવ્યો અને મારું મગજ બહેર મારી ગયું હતું. નટુકાકા આપણને છોડીને ચાલ્યા ગયા છે એ વાત જ હું માનવા તૈયાર નહોતો. મન કી રીતે આ વાત સ્વીકારવા તૈયાર નહોતું.

(12:11 pm IST)