Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

૪૪માંથી ૪૧ બેઠકો

ગાંધીનગરમાં ભાજપે ઇતિહાસ રચ્યો : લહેરાયો ભગવો

મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ ઉંધા માથે પછડાયા : ભાજપને ૪૧, કોંગ્રેસને ૨ અને આપને માત્ર ૧ બેઠક

નવી દિલ્હી, તા.૫: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કોંગ્રેસને આંચકો આપી દીધો છે. ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપે નેતૃત્વ પરિવર્તન કરીને વિજય રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં જીતના કારણે ભૂપેન્દ્ર પટેલને રાહત થઈ છે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ માટે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોટો પડકાર હતો અને આ પડકારને પાટિલ ફરી પહોંચી વળ્યા છે.

વાસ્તવમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત બહુ મહત્વની છે કેમ કે ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શકયું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૧૦માં અસ્તિત્વમાં આવી હતી અને ૨૦૧૧ના એપ્રિલમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની  પહેલી ચૂંટણી યોજાઈ હતી. નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા છતાં ભાજપ જીત્યો નહોતો. કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી હતી. એ પછી ૨૦૧૬જ્રાક્નત્ન યોજાયેલી ચૂંટણી વખતે પણ ભાજપ સ્પષ્ટ બહુમતી નહોતો મેળવી શકયો. આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે.

ગુજરાત રાજયની પાટનગરની ચૂંટણીના પરીણામ પર તમામ લોકોની નજર હતી, આજે તેનું પરીણામ આવી ગયું છે.જેમાં ભારતીય જનતા પાર્ટીની ધમાકેદાર જીત થઈ છે. જેમાં ગાંધીનગરની ૪૪ બેઠકો પૈકી ૪૧ બેઠકો પર ભાજપે જીત મેળવી છે.કોંગ્રેસને માત્ર ૨ અને આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર જીત મેળવી છે. ભાજપને ૧૦ વર્ષમાં પહેલી વખત આ શહેરમાં સ્પષ્ટ બહુમતી મળી છે. પીએમ મોદીના ઘરમાં અને અમિત શાહના ગઢમાં તો આપ અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પરીણામ બાદ બન્ને પક્ષોએ મંથન કરવાની જરૂર છે.

ગુજરાતમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે.બીજી તરફ ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ છે.

ગાંધીનગરની ચૂંટણી માટે ૫૬ ટકા મતદાન થયુ હતુ. ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તેમજ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય હતી. જોકે આ લિટમસ ટેસ્ટમાં તેઓ પાસ થયા હોવાનુ દેખાઈ રહ્યુ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યો છે.. ચૂંટણીના પરિણામોમાં ભાજપે કેસરિયો લહેરાવી ગાંધીનગર મહાનગરપાલિકા પર કબ્જો જમાવ્યો છે* બીજી તરફ હરીફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ થઇ ગયા છે* ભાજપે ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠક પૈકી ૪૧ બેઠકો પર જંગી બહુમતિથી જીત મેળવી કોંગ્રેસ અને આપ પર બુલડોઝર ફેરવ્યું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય મેળવ્યો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય મેળવ્યો છે.. છેલ્લા ૧૦ વર્ષમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ સાથે પાટનગરની મહાનગરપાલિકા પર ભગવો લહેરાવ્યો છે. ચૂંટણી બાદ યોજાયેલી મતગણતરીમાં ભાજપના લગભગ તમામ ઉમેદવારો શરૂઆતથી જ હરીફ પક્ષોના ઉમેદવારો પર લીડ મેળવ્યા રહ્યા. આખરે તેમણે જંગી બહુમતિથી વિજય મેળવ્યો.

ગાંધીનગર મનપામાં ભાજપની જીત થતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કમલમ પહોંચ્યા. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યુ કે, કોંગ્રેસને ચૂંટણીમાં બે સીટ મળી અને જે ખૂબ ગાજયા તેમને માત્ર એક સીટ મળી છે. રાજયમાં અન્ય પાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે સારો દેખાવ કર્યો છે. ભાજપે ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. સીઆર પાટીલે વધુમાં જણાવ્યુ કે, ગાંધીનગરમાં ભાજપે ૪૧ બેઠકો જીતી છે. અને કોરોનાકાળમાં ભાજપે લોકસંપર્ક જાળવી રાખ્યો હતો.(૨૩.૨૩)

ગાંધીનગર મનપામાં ભાજપની જીતના ૧૫ મુખ્ય કારણો

૧) PM નરેન્દ્રભાઇ મોદીનો ચહેરો અને અમિત શાહનો પ્રભાવ

૨) સી. આર. પાટીલના મજબૂત નેતૃત્વનો કમાલ

૩) CM ભૂપેન્દ્ર પટેલની આગવી છાપની અસર

૪) બુથ સ્તરે ભાજપની મજબૂત પકડ કામ કરી ગઈ

૫) પાટીલની પેજ પ્રમુખ ફોર્મ્યુલા સફળ રહી

૬) નવા સીમાંકનનો ભાજપને સીધો ફાયદો

૭) ગાંધીનગરનો વિકાસ મતદારોને મોહી ગયો

૮) શહેરી પ્રજા ભારતીય જનતા પાર્ટી પર ઓળદ્યોળ નજર આવી

૯) એકપણ ચાલ, એકપણ સ્ટ્રેટેજી વિરોધીઓની કામ ન આવી

૧૦) આમ આદમી પાર્ટીને ગાંધીનગરવાસીઓએ જાકારો આપ્યો

૧૧) કોંગ્રેસને માત્ર એક જ બેઠક  મળી

૧૨) ચાર થી પાંચ વોર્ડમાં AAP કોંગ્રેસ કરતા આગળ રહી

૧૩) પેરાસૂટ AAPના નેતાઓને નકાર્યા, કોંગ્રેસથી મોહભંગ

૧૪) ચૂંટણી પહેલી ભાજપ હાઈકમાંડે બદલી નાખી આખી સરકાર

૧૫) ભાજપે નવા ચહેરાઓને સરકારમાં સ્થાન આપતા અસર પડી.(૨૩.૨૦)

પેટા ચૂંટણીમાં ભાજપે ૧૮૪માંથી ૧૩૬ બેઠકો કબ્જે કરી

રાજકોટ, તા. પ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.   કુલ ૧૮૪ બેઠકોમાંથી ૧૩૬ ભાજપે કબજે કરી છે.

ગાંધીનગરઃ કોંગ્રેસની હારના કારણો

. શહેરી મતદારોનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ નિષ્ફળ

. નેતાઓના પક્ષપલટાથી કોંગ્રેસે જનાધાર ગુમાવ્યો

. અગાઉ ચૂંટાયેલા નેતાઓની નબળી કામગીરી

. કોંગ્રેસ પ્રજાનો અવાજ ઉઠાવવામાં સદ્દંતર નિષ્ફળ

. કોંગ્રેસના કાર્યકરોની ચૂંટણી પ્રચારમાં ઉદાસિનતા

. અયોગ્ય બુથ મેનેજમેન્ટથી કોંગ્રેસને નુકસાન

. ચૂંટણી પ્રચાર અંગે કોંગ્રેસનું નબળું આયોજન

. ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાઈ ગઈ કોંગ્રેસ

(3:15 pm IST)