Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પાકિસ્‍તાન વાતો શાંતિની કરે અને ઇમરાન ખાન લાદેનને શહિદ ગણાવે છે : યુનોમાં ભારતની તડાફડી

પાકિસ્‍તાન આતંકવાદનું કેન્‍દ્ર છે : યુએનમાં ભારતના પ્રતિનિધિ એ. અમરનાથ

ન્‍યૂયોર્ક તા. ૫ : પાકિસ્‍તાન એક એવો દેશ છે જે શાંતિની વાત કરે છે, આતંકવાદ સામે લડે છે, પરંતુ પોતે અશાંતિ ફેલાવવા અને આતંકવાદને પ્રોત્‍સાહન આપવા માટે જાણીતો છે. પાકિસ્‍તાનના આ બેવડા વલણને ભારતે સંયુક્‍ત રાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો છે. ભારતના કાઉન્‍સેલર એ અમરનાથે યુએનમાં જવાબ આપવાના તેમના અધિકારના ભાગરૂપે પાકિસ્‍તાન પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પાકિસ્‍તાનના કાયમી પ્રતિનિધિ અહીં શાંતિ અને સુરક્ષાની વાત કરે છે પરંતુ તેમના વડા પ્રધાન વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ ગણાવે છે.
પાકિસ્‍તાનને નિશાન બનાવતા અમરનાથે કહ્યું કે પાકિસ્‍તાન આતંકવાદનું કેન્‍દ્ર છે, પાકિસ્‍તાન ઘણી વખત પડોશી દેશમાં સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવામાં સામેલ રહ્યું છે. યુએન સિદ્ધાંતનો પાકિસ્‍તાન માટે કોઈ અર્થ નથી. જે રીતે પાકિસ્‍તાન ઘણા ફોરમમાં જુઠ્ઠાણાને પ્રોત્‍સાહન આપે છે તેની એકતાપૂર્વક નિંદા થવી જોઈએ.
તાજેતરમાં, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અમેરિકાના ઐતિહાસિક પ્રવાસ પર ગયા હતા, જયાં તેમણે સંયુક્‍ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ને સંબોધન કર્યું હતું. પાકિસ્‍તાનનું નામ લીધા વિના, તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું હતું કે જે પણ દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને પણ સમજવું પડશે કે તે તેમના માટે સમાન મોટો ખતરો છે. પાકિસ્‍તાન પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કહ્યું કે, ‘જે દેશો આતંકવાદને રાજકીય સાધન તરીકે પરી રહ્યા છે, તેઓએ સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે.' ભારતના પ્રથમ સચિવ સ્‍નેહા દુબેએ પણ પાકિસ્‍તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્‍તાનનો આતંકવાદીઓને ખુલ્લેઆમ ટેકો આપવાનો ઈતિહાસ છે.

 

(10:23 am IST)