Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પશુ કલ્‍યાણ બોર્ડનું પોર્ટલ કરાયું લોન્‍ચ

પશુઓ પર ક્રુરતા માટે વધારે દંડ કરવાની તૈયારીમાં છે સરકાર

ગાયો માટેની હોસ્‍ટેલ બનાવવા અંગે વિચારણા

નવી દિલ્‍હી તા. ૫ : પશુઓ પર ક્રૂરતા કરનારા લોકો માટે વધારે દંડ અને જેલની સજાની જોગવાઇ કરવાની કેન્‍દ્ર સરકારની યોજના છે. આના માટે વર્તમાન કાયદામાં સુધારા અંગેનું વિધેયક સંસદના આગામી સત્રમાં લાવવાની શક્‍યતા છે. અત્‍યારે આ પ્રકારના કામ કરનાર અપરાધી મોટાભાગે એમને એમ છટકી જાય છે કેમકે પહેલીવારના ગુના માટે, પશુઓ પ્રત્‍યે ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ હેઠળ ફકત ૫૦ રૂપિયા દંડ છે.
કેન્‍દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સોમવારે કહ્યું ‘અમે સુધારા વિધેયકના મુસદ્દા સાથે તૈયાર છીએ અને કેબીનેટની મંજૂરી લેવાની પ્રક્રિયામાં છીએ.' તેમણે ગુણાંવની કાયદોનું ગૌશાળામાં વિશ્વ પશુ દિવસ મનાવવા માટે આયોજીક એક કાર્યક્રમ પછી આ વાત કહી હતી. કાર્યક્રમમાં મંત્રાલયના સંયુકત સચિવ અને પશુ કલ્‍યાણ બોર્ડના અધ્‍યક્ષ ઓ.પી.ચૌધરીએ કહ્યું કે, અમે સુધારા વિધેયકના મુસદ્દામાં દંડ અને જેલની સજામાં વધારાનું સૂચન કર્યું છે. તેમના અનુસાર, મંત્રાલય કેબીનેટની મંજૂરી લીધા પછી આ વિધેયક સંસદના આગામી સત્રમાં રજૂ કરશે.
રૂપાલાએ પશુકલ્‍યાણ બોર્ડનું એક પોર્ટલ લોન્‍ચ કર્યું જે પશુ કલ્‍યાણમાં લાગેલા લોકોની સાથે સાથે ફિલ્‍મ શૂટીંગમાં જાનવરોના ઉપયોગ કરનારા લોકોને ઓનલાઇન પરમિશન આપશે. રૂપાલાએ ગૌવંશની રક્ષા માટે વૈજ્ઞાનિક પધ્‍ધતિઓ અપનાવવા અને શહેરના બહારના વિસ્‍તારોમાં ગૌશાળા સ્‍થાપિત કરવાની જરૂરીયાત પર ભાર મૂકયો. તેમણે કહ્યું કે, શહેરોમાં એપાર્ટમેન્‍ટમાં રહેતા લોકો પાસે ગાય રાખવાની જગ્‍યા નથી. એટલે ગાય રાખવાની જગ્‍યા (હોસ્‍ટેલ)ની ધારણા બહુ મદદગાર સાબિત થશે. તેમણે કહ્યું કે, ગૌ પાલનમાં રસ ધરાવતા લોકો એક ગાય ખરીદી શકે છે. અને ગૌશાળામાં તેની દેખરેખ રાખી શકાય છે. તેમણે કહ્યું કે, સરકાર આવી ગૌશાળાઓને સહાયતા આપીને પ્રોત્‍સાહન આપશે.


 

(10:23 am IST)