Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

મોટાભાગની નાની કંપનીઓને વાર્ષિક ઓડિટથી મુકિત મળે તેવી શકયતા

કંપનીઝ એકટ હેઠળ વાર્ષિક ઓડિટ કરતી ૯૫ ટકા કંપનીઓને લાભ મળશે : NFRA દ્વારા ઈઝ ઓફ ડુઈંગના ભાગરૂપે રૂ.૨૫૦ કરોડથી ઓછી નેટ વર્થ ધરાવતી કંપનીઓને ઓડિટમાં મુકિત આપવા હિમાયત : લાયસન્સ, પરમિટ કે બેન્ક લોન મળે તે માટે જ કંપનીઓ ઉભી કરાઇ હતી

અમદાવાદ, તા.૫: ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (વ્યાપાર કરવામાં સરળતા)ના નામે એક વિવાદિત પ્રસ્તાવ અમલમાં મૂકતા પહેલા કેન્દ્ર સરકારની એક નિયમનકાર સંસ્થાએ અભિપ્રાય એકત્ર કરવાની જાહેરાત કરી છે. તા. ૧૦ નવેમ્બર સુધી અભિપ્રાય આપ્યા બાદ સંભવ છે કે સુક્ષ્મ, લદ્યુ અને મધ્યમ કદના એકમોને કાયમી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ફરજીયાત કરાવવું પડતું ઓડિટ બંધ થઇ જાય.

જોકે, આ પ્રતિભાવ સામે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાયમાં મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. એમને ડર છે કે જો આટલી મોટી માત્રામાં કંપનીઓને ઓડિટમાંથી મુકિત આપવામાં આવે તો તેમની ઓડિટની આવક ઉપર મોટો ફટકો પડશે અને તેમની પાસે કામ જ નહી રહે.

વર્ષ ૨૦૧૮માં સ્થાપવામાં આવેલી નેશનલ ફાઈનાન્સિયલ રીપોર્ટીંગ ઓથોરીટી (એનએફઆરએ) દ્વારા બહાર પાડવામાં આવેલા આ કન્સલ્ટેટીવ પેપર અનુસાર દેશમાં માર્ચ ૨૦૨૦ના રોજ નોંધાયેલી ૧૨,૯૯,૭૧૦ કંપનીઓમાંથી ૧૨,૩૩,૭૬૮ કંપનીઓ એટલે કે ૯૪.૯૩ ટકા કંપનીઓ ખાનગી કંપનીઓ છે. એમાંથી પણ મોટાભાગની હોલ્ડીંગ કંપનીઓ કે એક વ્યકિત કંપનીઓ છે.

આમથી માત્ર ૫૨.૪૮ ટકા કંપનીઓએ જ પોતાના વાર્ષિક ઓડિટના અહેવાલ મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં રજુ કર્યા છે. એનએફઆરએ વધુમાં નોંધે છે કે જે કંપનીઓએ પોતાના ઓડિટ અહેવાલ રજુ કર્યા છે તેમાંથી ૫૪.૮૮ ટકા કે ૨.૦૯ લાખ કંપનીઓ એવી છે કે જેમનું ટર્નઓવર શૂન્ય છે. ૬૧.૨૨ ટકા કંપનીઓ એવી છે કે જેમનું ટર્નઓવર રૂ.૫૦ કરોડથી ઓછું છે.

ઓડિટમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારની એમએસએમઈની ગાઈડલાઈન્સ કરતા એનએફઆરએએ અલગ રીતે ગણતરી કરી છે. ઓથોરીટીએ રૂ.૨૫૦ કરોડથી ઓછી નેટ વર્થ (કંપનીની શેરમૂડી, કુલ અસ્કયામતમાંથી બધી જ જવાબદારી બાદ કરીએ તો જે રકમ વધે તે) ધરાવતી કંપનીઓને આ અહેવાલ પુરતી એમએસએમઈ ગણવામાં આવી છે.

આ અહેવાલ અનુસાર કુલ કંપનીઓમાંથી ૯૫.૯૩ ટકા કંપનીઓ એવી છે કે જેની નેટ વર્થ રૂ.૨૫ કરોડ કે તેથી ઓછી છે. અત્યારે ઇન્કમ ટેકસ એકટમાં રૂ.૧૦ કરોડથી ઓછું ટર્નઓવર હોય અને પાંચ ટકાથી ઓછી માત્રામાં રોકડ વ્યવહાર હોય એવી કંપનીને ઓડિટમાંથી મુકિત આપવામાં આવી છે. જીએસટીમાં પણ વાર્ષિક ટેકસ ઓડિટ ગત વર્ષે કાઢી નાખવામાં આવ્યું છે.

એનએફઆરએના માટે મોટાભાગની કંપનીઓ એટલા માટે ઉભી કરવામાં આવી છે કે તેમને કોઈ લાયસન્સ મળે, કોઈ પરમીટ મળે કે બેંક લોન મળે. 'હકીકતે આ કંપનીઓ વ્યકિતગત માલિકીની ભાગીદારી સ્વરૂપની જ છે.

આવી કંપનીઓના ઓડિટ કરવાથી કોઈ જાહેર હિત થતું નથી. આવી કંપનીઓના ઓડિટમાંથી મુકિત આપી, વૈશ્વિક ધોરણ અનુસાર ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની દિશામાં કામગીરી થવી જોઈએ, એમ અહેવાલમાં જણાવ્યું છે.

(9:58 am IST)