Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

કોણ છે આર્યન ખાન સાથે ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલી મુનમુન ધમેયા

મુંબઇમાં ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટી દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સાથે મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટની ધરપકડ કરાઇ હતી

મુંબઇ,તા.૫: નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈમાં ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટી દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સાથે મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટની ધરપકડ કરી હતી.  રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યા બાદ આર્યન, મુનમુન અને અરબાઝ સહિત આઠ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ત્યાં જહાજમાંથી ડ્રગ્સ જપ્ત કરાયું હતું.

ધરપકડ કરાયેલા લોકોમાં આર્યન ખાન બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને ઇન્ટીરિયર ડિઝાઇનર ગૌરી ખાનનો પુત્ર છે. અરબાઝ મર્ચન્ટ આર્યનનો ખાસ મિત્ર છે. ત્યારે લોકોમાં મુનમુન ધમેચા અંગે ઉત્સુકતા છે.

મુનમુન ધમેચા એક ફેશન મોડલ છે. ૩૯ વર્ષીય મુનમુનની એનસીબીએ ૩ ઓકટોબરે બપોરે ૨ વાગ્યે ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, મુનમુન ધમેચા મધ્યપ્રદેશના સાગર જિલ્લાની રહેવાસી છે. હાલ તેના પરિવારમાંથી કોઈપણ મધ્યપ્રદેશમાં તેમના દ્યરમાં રહેતું નથી. જયારે મુનમુનની માતાનું ગયા વર્ષે નિધન થયું હતું, તેણે અગાઉ તેના પિતા અમિત કુમાર ધમેચાને પણ ગુમાવ્યા હતા. તેનો એક ભાઇ છે, જેનું નામ રાજકુમાર ધમેચા છે, જે દિલ્હીમાં કામ કરે છે. મુનમુનનું શાળાનું શિક્ષણ સાગરમાં પૂરું થયું. સાગર જિલ્લામાં મુનમુન વિશે બહુ ઓછા લોકો જાણે છે. એવું કહેવાય છે કે તે છ વર્ષ પહેલા તેના ભાઈ સાથે દિલ્હી જતાં પહેલા થોડા સમય માટે ભોપાલમાં રહી હતી.

મુનમુનના ઇન્સ્ટાગ્રામ પર ૧૦ હજારથી વધુ ફોલોઅર્સ છે. મુનમુને તેની છેલ્લી પોસ્ટ ૨૨ સપ્ટેમ્બરે શેર કરી હતી. જોકે તેને ઇન્સ્ટાગ્રામ પર કોઈપણ સેલિબ્રિટી ફોલો કરતાં નથી. તે ફોટો-શેરીંગ પ્લેટફોર્મ પર અક્ષય કુમાર, વિકી કૌશલ અને અન્ય ઘણા સેલિબ્રિટીઝને ફોલો કરતી જોવા મળી છે.

ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના મોટા પુત્ર આર્યન ખાન સહિત અન્ય તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ NCB એકશનમાં આવી છે. તપાસ એજન્સીની ટીમે ક્રુઝ શિપની ફરીથી તપાસ કરી છે, જયાંથી ડ્ર્ગ્સ જપ્ત કરાયું હતું. આજે વધુ ૮ લોકોની અટકાયત કરવામાં આવી છે.

(9:56 am IST)