Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

આર્યનને ડ્રગ્સ વેચવાની જરૂર નથી, તે આખી ક્રૂઝ ખરીદી શકે છે

આર્યન ખાનનો કેસ લડી રહેલાં વકીલ સતીશ માનેશિંદેએ દલીલો કરી હતી

મુંબઇ,તા.૫: મુંબઈ ક્રૂઝ શિપમાં ડ્રગ્સ કાંડ બાદ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આજે આર્યન ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જયાં કોર્ટે આર્યન ખાનના વધુ ૭ ઓકટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. પણ કોર્ટમાં કાર્યવાહી સમયે આર્યન ખાનનો કેસ લડી રહેલાં વકીલ સતીશ માનેશિંદેએ દલીલો કરી હતી. જેમાં એક દલીલમાં તેઓએ કહ્યું હતું કે, આર્યન ખાન ઈચ્છે તો આખી ક્રૂઝ શિપ ખરીદી શકે છે.

કોર્ટમાં એનસીબીના તરફથી સોલિસિટર જનરલ દ્વારા ક્રૂઝ પર નશાની વાત કરવામાં આવી હતી. જે મુદ્દે આર્યન ખાનના વકીલ સતીશ માનેશિંદેએ દલીલ કરતાં કહ્યું કે, શિપ મારું નથી. તમન શિપ પર હાજર હજારો અન્ય લોકોની ધરપકડ કરવી જોઈતી હતી. શિપ પર લોકો સાથે સંબંધ સ્થાપિત કરવા માટે કાંઈ નથી. આ ઉપરાંત સોલિસિટર જનરલે કહ્યું કે, આર્યન ખાન શિપ પર કેમ હતા? જેના જવાબમાં સતીશ માનેશિંદેએ કહ્યું કે, એવું નથી કે આર્યન ખાન ક્રૂઝ પર ડ્રગ્સ વેચી રહ્યો હતો, તે ઈચ્છે તો શિપ ખરીદી શકે છે.

આ ઉપરાંત સતીશ માનશિંદેએ કહ્યું કે, એ વાતનો કોઈ પુરાવો નથી કે આર્યન ખાન ડ્રગ્સ ખરીદી કે વેચી રહ્યો હતો. તેવામાં ‘S 37’ લાગુ થતું નથી. આર્યન હજુ ૨૪ વર્ષનો છોકરો છે, અને આ પ્રકારનાં મામલામાં તે પહેલીવાર આરોપી બન્યો છે. તેવામાં તેના પર અન્ય આરોપીઓ પર જે દલીલો આપવામાં આવે છે, તે દલીલો તેના પર કરી શકાય નહીં. તો માનેશિંદેએ કહ્યું કે, આર્યન ખાન પાસેથી કે તેની બેગમાંથી ડ્રગ્સ મળ્યું નથી. અને કોર્ટ પોતે જોઈ શકે છે કે તેની વોટ્સએપ ચેટમાં શું છે.

એડિશનલ સોલિસિટર જનરલે ડ્રગ્સ રેકેટના ઈન્ટરનેશનલ માર્કેટ લિંક સાથે જોડતાં જણાવ્યું કે, આર્યન ખાન, અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચા એક ગેંગની જેમ છે. તેમના ફોનમાંથી એવી તસવીરો અને ચેટ મળી છે કે જે ઈશારા કરે છે કે ડ્રગ્સનું આ રેકેટ ઈન્ટરનેશનલ માર્કેટ સાથે જોડાયેલું છે. જેના જવાબમાં સતીશ માનેશિંદેએ કહ્યું કે, જે ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટ કે ચેટની વાત કરી રહ્યા છે, તેને આર્યન ખાનને લિંક કરવો યોગ્ય નથી. તે તો પાર્ટીમાં મહેમાન બનીને ગયો હતો.

આ ઉપરાંત તેઓએ કહ્યું કે, વોટ્સએપ ચેટ, ડાઉનલોડ, તસવીરો એ સાબિત કરી શકતા નથી કે આર્યન ખાનનો આ ડ્રગ્સ સાથે કાંઈ લેવા-દેવા નથી. અને જો કોઈ એવી ચેટ છે તો તે સામાન્ય પણ હોઈ શકે છે. તેનો મતલબ એ નથી કે, આર્યન ખાન નશીલી દવાઓની તસ્કરી કરે છે. તો એનસીબીએ એવો પણ આરોપ લગાવ્યો કે, આર્યન ખાન ડ્રગ્સ સિન્ડિકેટનો સભ્ય છે. જેના પર સતીશ માનેશિંદેએ કહ્યું કે, આર્યન ખાને વિદેશથી અભ્યાસ કર્યો છે અન હાલમાં જ તે ભારત આવ્યો છે. તે કેવી રીતે સિન્ડિકેટનો સભ્ય હોઈ શકે છે.

(9:55 am IST)