Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

આર્યન ખાનને કેમ ન મળ્યા જામીન? NCBના ૫ આરોપ જેની સામે માનેશિંદેનું કંઈ ન ચાલ્યું

એનસીબીએ આર્યન ખાન પર મૂકેલા પાંચ આરોપો સામે તેના વકીલની કોઈ દલીલ કામ ન આવી

મુંબઈ,તા. ૫: બોલિવુડ એકટરના શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી સોમવારે જામીન ન મળ્યા. કોર્ટે આર્યન ખાનને ૭ ઓકટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તેને ૭ ઓકટોબરે કોર્ટમાં ફરીથી રજૂ કરાશે. વકીલ સતીશ માનેશિંદેએ આર્યન ખાનને જામીન અપાવવા માટે દ્યણી દલીલો કરી, પરંતુ તે કામ નહીં આવે. આવો જાણીએ એનસીબીના એ કયા પાંચ આરોપ છે, જેને પગલે સતીશ માનેશિંદે આર્યનને જામીન ન અપાવી શકયા.

૧. વોટ્સએપ ચેટ્સ અને ફોટોઝ

એનસીબી તરફથી કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે, આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાના ફોનમાંથી એવી તસવીરો અને ચેટ્સ મળી છે, જેને લઈને અમારે તેમની કોલ ડિટેલ્સ કાઢવી પડશે. પૂછપરછ અને તપાસનું વર્તુળ વધારવું પડશે.

૨. ત્રણેયની સિન્ડિકેટ

એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે, આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચા ત્રણેની એક સિન્ડિકેટ છે. તેમની ચેટથી જાણવા મળે છે કે, ત્રણેય પહેલેથી એકબીજાના સંપર્કમાં હતા.

૩. ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટ સાથે જોડી લિંક

એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે, આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાના ફોનમાંથી એવી તસવીરો અને ચેટ્સ મળી છે, જેનાથી એવું જણાય છે કે, ડ્રગ્સનું આ રેકેટ આંતરાષ્ટ્રીય માર્કેટ સાથે જોડાયેલું છે.

૪. ચેટમાં અજાણ્યો શખસ હોઈ શકે છે પેડલર

એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે, વોટ્સએપ ચેટમાં ઘણા અજાણ્યા લોકોની પણ ચેટ છે. આ ચેટ જથ્થાબંધ ખરીદી અંગે છે. તેની તપાસ થવી જોઈએ. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે, કંઈક તો કનેકશન ચોક્કસ છે. આ લોકો સતત એ અજાણ્યા શખસ સાથે સંપર્કમાં હતા. ડ્રગ્સ સપ્લાયર સાથે તમે સતત સંપર્કમાં રહો છો. આ એવી પરિસ્થિતિઓ છે, જેની તપાસ થવી જોઈએ.

૫. અન્ય આરોપીઓનુ ક્રોસ એકઝામિનેશન

એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે, આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાના રિમાન્ડ એટલે આપવામાં આવે કે જેથી એ બધાનું ક્રોસ એકઝામિનેશન પણ થઈ શકે. બીજા પણ ૫ આરોપી પકડાયા છે, તેમની પણ પૂછપરછ કરવાની છે.

(9:54 am IST)