Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

કોણ છે આર્યન ખાનના 'સંકટમોચક' વકીલ સતીશ માનશિંદે ?

નવી દિલ્હી,તા. ૫ : બોલીવુડ એકટર શાહરૂખ ખાને પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ મામલે ધરપકડ કર્યા પછી કેસ લડવા માટે જાણીતા સિનિયર વકીલ સતીશ માનશિંદેને નિયુકત કર્યા છે. તેઓ નાર્કોટિકસ કન્ટ્રોલ બન્યુરો દ્વારા આર્યન ખાન પર લગાવવામાં આવેલા આરોપોની સામે કોર્ટમાં બચાવ કરશે. ૫૬ વર્ષીય વરિષ્ઠ સતીશ માનશિંદે હાઇ પ્રોફાઇલ કેસો લડવા માટે જાણીતા છે. તેઓ અત્યાર સુધી કેટલાક ટોચના બોલીવુડ  સ્ટાર્સ અને તેમના ફેમિલી સભ્યોના કેસ લડી ચૂકયા છે.

આર્યન ખાનની એનસીબીએ મુંબઇના કોર્ડેલિયાની એમ્પ્રેસ ક્રૂઝ પર એક રેવ પાર્ટી પર દરોડો માર્યા પછી ધરપકડ કરી હતી. એજન્સીના તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે આ આરોપીઓ પાસેથી ૧૩ ગ્રામ કોકેન, પાંચ ગ્રામ MD, ૨૧ ગ્રામ ચરસ, MDMA(એકસટસી)ની ૨૨ ગોળીઓ અને રૂ. ૧.૩૩ લાખ રોકડા જપ્ત કર્યા છે. આર્યન ખાનને મુંબઇની એક કોર્ટે એક દિવસ માટે એનસીબીની કસ્ટડીમાં મોકલી દીધો હતો.

માનશિંદે ૧૯૯૩માં થયેલા બોમ્બધડાકાને મામલે બોલીવુડ એકટર સંજય દત્તનું પ્રતિનિધિત્વ કરતી કાનુની ટીમનો હિસ્સો પણ રહી ચૂકયા છે. માનશિંદે સંજય દત્તને જામીન અપાવવામાં સફળ રહ્યા હતા. આ કેસ પછી માનશિંદે બધા હાઇ-પ્રોફાઇલ કેસો  માટે દેશના ટોચના ક્રિમિનલ લોયર્સમાંના એક બની ગયા હતા.

તેમણે ૨૦૦૨ના દારૂ પીવાના અને ડ્રાઇવિંગ મામલામાં એકટર સલમાન ખાન માટે પણ જામીન મેળવી આપ્યા હતા. એ પછી સલમાન ખાનને કોર્ટે છોડી મૂકયો હતો. હજી હાલમાં માનશિંદે એકટ્રેસ રિયા ચક્રવતી અને તેના ભાઇ શોવિક માટે પણ ડ્રગ્સ મામલે કેસ લડ્યો હતો.

(9:54 am IST)