Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પેન્ડોરા પેપર લીક મામલે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી

દેશની પહેલી ઘટનાઃ એકીસાથે ૪ કેન્દ્રીય એજન્સીઓ CBDT, ED, RBI, FIU તપાસ કરશે

નવી દિલ્હી, તા.૫: પેન્ડોરા લીક કેસ દેશના ઈતિહાસનો પહેલો એવો કેસ બન્યો છે કે જેની એકીસાથે ચાર-ચાર કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરશે. વિદેશમાં છુપું ધન રાખનાર લગભગ ૩૦૦ ભારતીયોના નામ જાહેર થયા બાદ કેન્દ્ર સરકાર એકશનમાં આવી છે. CBDTના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે સીબીડીટીના ચેરમેનની આગેવાનીમાં મલ્ટી એજન્સી ગ્રુપ દ્વારા પેન્ડોરા લીકની તપાસ કરવામાં આવશે. મલ્ટી તપાસ એજન્સીઓમાં સીબીડીટી, ઈડી, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા તથા ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ સહિતની એજન્સીઓ સામેલ છે.

કેન્દ્ર સરકારની આ તમામ એજન્સીઓ સાથે મળીને પેન્ડોરાનો ભાંડો ફોડશે તથા તેમાં રહેલા નામો બહાર લાવશે. કેન્દ્રીય નાણા મંત્રાલયે એવું જણાવ્યું કે આ તમામ એજન્સીઓ પેન્ડોરા લીકની તપાસ કરશે અને કાયદા પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે પેન્ડોરા પેપર્સમાં જેમના પણ નામો છે તેમના સંબંધમાં માહિતી મેળવવા માટે વિદેશી સરકારનો પણ સંપર્ક સાધવામાં આવશે.

હવે ફરીથી ICIJએ દાવો કર્યો છે કે ટેકસ ચોરીમાં ભારતીય દિગ્ગજો પણ સામેલ છે. જેમાં ભારતીય દિગ્ગજ ખેલાડીનું નામ પણ સામે આવી રહ્યું છે. ઈન્ટરનેશનલ કન્સોર્ટીયમ ઓફ ઈન્વેસ્ટિગેટીવ જર્નાલિસ્ટસે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતના નવા મહાનુભાવો પનામા પેપર લીક બાદ ધ્યાન રાખી રહ્યાં છે, જેનાથી તેમની ટેકસ ચોરીનો પર્દાફાશ ના થાય. ICIJએ ૧.૧૯ કરોડ દસ્તાવેજોને તપાસ્યા હતા. જેમાંથી ૧૧૭ દેશોના ૬૦૦ રિપોર્ટરો જોડાયા હતા. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર પણ આ યાદીમાં સામેલ છે.

૨૦૧૬માં કરાયેલી તપાસમાં સામે આવ્યું હતુ કે ભારતના ઘણા સરકારી અધિકારી ત્યાં સુધી કે રમત અને સિનેમા જગતના દ્યણા મોટા સ્ટાર્સ તેમાં સંડોવાયેલા હતા. ચાલુ વર્ષે જુલાઈમાં કેન્દ્ર સરકારે એક ખુલાસો કર્યો હતો કે પનામા પેપર સાથે જોડાયેલા ૨૦,૦૭૮ કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિની માહિતી મેળવી હતી.

(9:52 am IST)