Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

બંગાળમાં નવા વિવાદના એંધાણ : મમતા બેનર્જી ધારાસભ્ય બનતા રાજ્યપાલે ઘટાડ્યો વિધાનસભાના સ્પીકરનો અધિકાર

રાજ્યપાલ ધનખડે બંગાળ વિધાનસભાના સ્પીકર બિમન બેનર્જી પાસેથી ધારાસભ્યોને શપથ અપાવવાનો અધિકાર છીનવી લીધો: મુખ્યમંત્રી પદ પર બન્યા રહેવા માટે મમતાએ ચાર નવેમ્બર સુધી ધારાસભ્ય પદે શપથ લેવા જરૂરી

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે તકરાર એકવાર ફરી વધી શકે છે. હકીકતમાં રાજ્યપાલ ધનખડે બંગાળ વિધાનસભાના સ્પીકર બિમન બેનર્જી પાસેથી ધારાસભ્યોને શપથ અપાવવાનો અધિકાર છીનવી લીધો છે. જાણવા મળી રહ્યું છે કે આવું પ્રથમવાર થયું છે જ્યારે બંગાળના રાજ્યપાલે આ પ્રકારનું પગલું ભર્યું હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર પેટાચૂંટણીમાં શાનદાર જીત હાસિલ કરી છે. મુખ્યમંત્રી પદ પર બન્યા રહેવા માટે તે જરૂરી છે કે મમતા ચાર નવેમ્બર સુધી ધારાસભ્ય પદે શપથ લઈ લે. વિધાનસભા સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ભવાનીપુર અને મુર્શિદાબાદમાં પેટાચૂંટણીના થોડા દિવસ પહેલા રાજભવન તરફથી સ્પીકર ઓફિસને પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીઓ અને ધારાસભ્યોને શપથ અપાવવાનો અધિકાર રાજ્યપાલને મળ્યો છે.

રાજભવનમાં રાજ્યપાલ જ્યાં મંત્રીઓને શપથ અપાવે છે તો સ્પીકર રાજ્યપાલના પ્રતિનિધિના રૂપમાં ધારાસભ્યોને શપથ અપાવે છે. અધિકારીઓનું કહેવું છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દા પર સોમવારે સ્વીકર સાથે વાત કરી અને તેમની ઓફિસનો સ્ટાફ રાજભવનના સંપર્કમાં છે. રાજ્યપાલના પત્રમાં બંધારણના આર્ટિકલ 188નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે રાજ્યપાલને શપથ અપાવવાની શક્તિ આપે છે.

(12:29 am IST)