Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવ્યું : ચેન્નઈનો સતત બીજો પરાજય

દિલ્હી કેપિટલ્સની ટીમ 20 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી: ધોનીની ટીમ 13 મેચમાં 9 જીત સાથે 18 પોઈન્ટ મેળવી બીજા સ્થાને

મુંબઈ :  IPL 2021ની બીજી સિઝનમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 3 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ 20 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

રિષભ પંતની આગેવાનીવાળી દિલ્હી કેપિટલ્સ પાસે નંબર વન સાથે લીગ રાઉન્ડ ખતમ કરવાની શાનદાર તક છે. જ્યારે ધોનીની ટીમ 13 મેચમાં 9 જીત સાથે 18 પોઈન્ટ મેળવી બીજા સ્થાને છે. ચેન્નઈનો આ સતત બીજો પરાજય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 136 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.4 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

કાગિસો રબાડાએ 20 મી ઓવરના ચોથા બોલને ચોગ્ગા માટે મોકલીને દિલ્હી માટે મેચ જીતાવી હતી. દિલ્હીને 3 બોલમાં બે રનની જરૂર હતી, પરંતુ બ્રાવોની ડિલિવરી લેગ-સ્ટમ્પની બહાર સારી હતી અને નવા બેટ્સમેન રબાડાએ તેને ફાઈન લેગ તરફ ફ્લિક કર્યો અને ટીમને જીત અપાવી છે.

ચેન્નઈએ આપેલા સામાન્ય લક્ષ્‍યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને 24 રનના સ્કોર પર પૃથ્વી શો (18)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. શો 12 બોલમાં ત્રણ ચોગ્ગા ફટકારી દીપક ચાહરની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર બે રન બનાવી હેઝલવુડની ઓવરમાં કેચઆઉટ થયો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં 2 વિકેટે 51 રન બનાવ્યા હતા.

મોઇન અલીના રૂપમાં ચેન્નઈને ત્રીજો ઝટકો લાગ્યો હતો. મોઇન 5 રન બનાવી અક્ષરની ઓવરમાં આઉટ થયો હતો. આ સીઝનમાં પ્રથમ મેચ રમી રહેલ રોબિન ઉથપ્પા 19 બોલમાં 19 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચઆઉટ થયો હતો. એમએસ ધોનીએ 27 બોલનો સામનો કરતા 18 રન બનાવ્યા હતા. ધોની આવેશ ખાનનો શિકાર બન્યો હતો.

ચેન્નઈ માટે સૌથી વધુ રન અંબાતી રાયડૂએ બનાવ્યો હતો. રાયડૂ 43 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 55 રન બનાવી અણનમ રહ્યો હતો. જાડેજા 1 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી તરફથી અક્ષરે 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય નોર્ત્જે, આવેશ ખાન અને અશ્વિનને એક-એક સફળતા મળી હતી.

(12:00 am IST)