Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સચિન તેંડુલકર અને અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી શકે : ‘પેન્ડોરા પેપર્સ’ સંબંધિત બાબતોની તપાસના આદેશ

પેન્ડોરા દસ્તાવેજ કેસની તપાસ સીબીડીટી ચેરમેનના નેતૃત્વમાં વિવિધ તપાસ એજન્સીઓના સમૂહ દ્વારા કરાશે

નવી દિલ્હી :ક્રિકેટર સચિન તેંડુલકર અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી શકે છે. બંને પર કરચોરીનો આરોપ છે. સરકારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)  જણાવ્યું હતું કે 'પેન્ડોરા પેપર્સ ' સંબંધિત બાબતોની તપાસ કરવામાં આવશે. એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પેન્ડોરા દસ્તાવેજ કેસની તપાસ સીબીડીટી ચેરમેનના નેતૃત્વમાં વિવિધ તપાસ એજન્સીઓના સમૂહ દ્વારા કરવામાં આવશે. હકીકતમાં વિશ્વભરની 14 કંપનીઓમાંથી મળી આવેલી લગભગ 1 કરોડ 20 ફાઇલોની સમીક્ષાથી વિશ્વના સેંકડો નેતાઓ, અબજોપતિઓ, સેલિબ્રિટીઝ, ધાર્મિક નેતાઓ અને ડ્રગના વેપાર સાથે સંકળાયેલા એ લોકોના રોકાણનો ખુલાસો થયો છે, જેને છેલ્લા 25 વર્ષથી હવેલીઓ, બીચ પર બાંધવામાં આવેલી ખાસ મિલકતો, બોટ અને અન્ય મિલકતોના માધ્યમથી છુપાવવામાં આવ્યા હતા.

ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સે આ અહેવાલ બહાર પાડ્યો, જે 117 દેશોમાં 150 મીડિયા સંસ્થાઓના 600 પત્રકારોની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલને 'પેન્ડોરા પેપર્સ ' તરીકે ઓળખવામાં આવી રહ્યો છે, કારણ કે તેણે પ્રભાવશાળી અને ભ્રષ્ટ લોકોની છુપાયેલી સંપત્તિની જાણકારી આપી છે અને જણાવ્યું કે આ લોકોએ કઈ રીતે હજારો અબજ ડોલરની ગેરકાયદે સંપત્તિને છુપાવવા માટે વિદેશી ખાતાનો ઉપયોગ કર્યો છે.

આ ગુપ્ત ખાતાઓના લાભાર્થી તરીકે ઓળખામાં આવેલા 330થી વધુ વર્તમાન અને ભૂતપૂર્વ નેતાઓમાં જોર્ડનના રાજા અબ્દુલ્લા II, બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર, ચેક રિપબ્લિકના વડા પ્રધાન આન્દ્રેજે બેબીસ, કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટ્ટા અને એક્વાડોર પ્રમુખ ગિલેર્મો લાસોનો સમાવેશ થાય છે. આ સિવાય પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંનેના સહયોગીઓ સામેલ છે.

અહેવાલમાં નામ જે અબજોપતિઓના નામ સામે આવ્યા છે, તેમા તુર્કીના ઉદ્યોગપતિ અરમાન ઇલિયાક અને સોફ્ટવેર નિર્માતા રેનોલ્ડ્સ એન્ડ રેનોલ્ડ્સના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી રોબર્ટ ટી. બ્રોકમેનનો સમાવેશ થાય છે. મોટાભાગના ખાતાઓનો ઉપયોગ કરચોરી અને મૂડી છુપાવવા માટે કરવામાં આવ્યો હતો, એમ અહેવાલમાં જણાવાયું છે.

(12:00 am IST)