Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ચીનના ઉંબાડીયા ચાલુ :ફરીવખત 52 ફાઇટર પ્લેન તાઇવાન તરફ ઉડાન ભરાવી: સૌથી મોટું પ્રદર્શન કર્યું

ચીને સતત ત્રીજા દિવસે સ્વ-શાસિત ટાપુ તરફ વિમાનો મોકલીને ડરાવવાનો પ્રયાસ કર્યો.

ચીન તાઇવાન તરફ ફાઈટર જેટ મોકલીને સતત શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. સોમવારે ફરી એક વખત ચીને 52 ફાઇટર પ્લેન તાઇવાન તરફ મોકલ્યા. ચીન દ્વારા કરવામાં આવેલ આ અત્યાર સુધીનો સૌથી મોટું પ્રદર્શન હતું. ચીને સતત ત્રીજા દિવસે સ્વ-શાસિત ટાપુ તરફ વિમાનો મોકલીને ડરાવવાનો પ્રયાસ કર્યો. તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ચીનના ફાઇટર જેટમાં 34 J-16 ફાઇટર જેટ અને 12 H-6 બોમ્બર્સ સામેલ છે.

તાઇવાનની વાયુસેનાએ ચીની લડાકુ વિમાનોને પાછળ ધકેલી દીધા અને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી પર વિમાનોની હિલચાલ પર નજર રાખી. ગયા શુક્રવારે, ચીનના રાષ્ટ્રીય દિવસે, પીપલ્સ લિબરેશન આર્મીએ 38 ફાઇટર જેટ્સ તાઇવાન તરફ મોકલ્યા હતા. આ પછી 39 વિમાનોએ શનિવારે ફરી એક વખત ટાપુ તરફ ઉડાન ભરી. ચાઇનીઝ ફાઇટર જેટ્સ પર તાઇવાનના સપ્ટેમ્બર 2020 ના રિપોર્ટ બાદ આ એક જ દિવસમાં વિમાનોની સૌથી વધુ સંખ્યા હતી. તે જ સમયે રવિવારે ચીને તાઇવાન તરફ 16 વિમાનો મોકલ્યા. આ રીતે છેલ્લા ચાર દિવસમાં ચીને 150 થી વધુ વિમાનો મોકલ્યા છે.

તાઇવાનના એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનમાં ચીની ફાઇટર પ્લેનના સતત આગમન માટે અમેરિકાએ ચીનની નિંદા કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે ચેતવણી આપી હતી કે તાઇવાન નજીક ચીનની લશ્કરી પ્રવૃત્તિ ખોટી ગણતરીમાં પરિણમી શકે છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને નુકસાન પહોંચાડી શકે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે બેઇજિંગને તાઇવાન સામે સૈન્ય, રાજદ્વારી અને આર્થિક દબાણ અને બળજબરી બંધ કરવા વિનંતી કરીએ છીએ.’ તમને જણાવી દઇએ કે, અમેરિકા અને તાઇવાન વચ્ચે ખૂબ નજીકના સંબંધો છે.

 
(11:07 pm IST)