Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ઉધ્ધવ ઠાકરે દશેરા પછી અયોધ્યા જશે

રામ મંદિરના મુદ્દે BJPની ઉદાસિનતા સામે શિવસેના ખફા

મુંબઇ તા. પ :.. રામ મંદિરના મુદ્દે બીજેપીના વલણ તરફ નારાજગી દર્શાવતાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ દશેરા પછી અયોધ્યાયની મુલાકાતે જવાનો નિર્ણય લીધો હોવાનું પક્ષના સંસદ સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું. ઉધ્ધવ ઠાકરે અયોધ્યાની મુલાકાતની તારીખ ૧૯ ઓકટોબરે દશેરા રેલીમાં જાહેર કરશે.

 

રાજયસભાના સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે 'અયોધ્યામાં રામ મંદિરના મુદ્ે શિવસેના હંમેશા અગ્રેસર રહી છે. બીજેપી ચાર વર્ષથી સત્તા પર હોવા છતાં રામજન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર બાંધવાનું વચન પુરું કર્યુ નથી.'

 

ઉધ્ધવ ઠાકરે દાદરસ્થિત શિવસેના ભવનમાં બુધવારે સાંજે જન્મેજય શરણજી મહારાજને મળ્યા હતાં. એ વખતે મહારાજે રામ મંદિર બાંધવામાં શિવસેનાનો સહયોગ માગતા ઉધ્ધવ ઠાકરેને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું હોવાનું પક્ષનાં સુત્રોએ જણાવ્યું હતું.

સાઉથ મુંબઇથી લોકસભામાં ચૂંટાયેલા શિવસેનાના નેતા અરવિંદ સાવંતે જણાવ્યું હતું કે 'ર૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં આપેલા કાશ્મીર સમસ્યાના ઉકેલ અને રામ મંદિર બાંધવા સહિતનાં વચનો નિભાવવામાં બીજેપી પ્રણિત એનડીએ તરફથી આપવામાં આવ્યા હતાં. અમે અગાઉ ન કહ્યું હોય એવું કંઇ કહેતા નથી. બાબરી મસ્જિદ તોડવાની જવાબદારી લેવા કોઇ તૈયાર નહોતું ત્યારે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ જવાબદારી લીધી હતી. એનડીએ સત્તા પર આવ્યાને સાડાચાર વર્ષ પસાર થયા છતાં રામ  મંદિરનું બાંધકામ શરૂ થયું નથી અને આ વિષય કોર્ટમાં પેન્ડીંગ છે.' (પ-૯)

 

(11:56 am IST)