Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

એપલ વિશ્વની ટોચની બ્રાન્ડ : ફેસબુક ૯માં ક્રમે ધકેલાયું

બીજા ક્રમે રહેલી ગુગલની બ્રાન્ડ વેલ્યુમાં ૧૦ ટકાનો વધારો થયો તેની માર્કેટ કેપ ૧૫૫.૫ બિલિયન ડોલર : એમેઝોનની વેલ્યુ ૧૦૦.૮ બિલિયન ડોલર થઇ ગઇ છે

સેન ફ્રાન્સિસ્કો તા. ૫ : ગુગલને પછાડીને એપલ વર્ષ ૨૦૧૮ની ટોચની બ્રાન્ડ બની ગઈ છે, જયારે ડાટા ચોરાવાના વિવાદ વચ્ચે ફેસબૂક ૯માં ક્રમે ધકેલાઈ ગઈ છે. ગુરૂવારે પ્રકાશિત વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડ અંગેના એક રિપોર્ટમાં આ આંકડા બહાર આવ્યા છે.

ગ્લોબલ બ્રાન્ડ કન્સલ્ટન્સી ઈન્ટરબ્રાન્ડના 'વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડ્સ ૨૦૧૮' નામના રિપોર્ટમાં અમેઝોન કંપની ૫૬ ટકાના ગ્રોથ સાથે વિશ્વની ત્રીજા ક્રમની ટોચની બ્રાન્ડ બની છે.

રેન્કિંગ પ્રમાણે એબલની બ્રાન્ડ વેલ્યુમાં દર વર્ષે ૧૬ ટકાનો વધારો થયો છે અને અત્યારે તે ૨૧૪.૫ બિલિયન ડોલર પર પહોંચી છે. અમેરિકાની તે પ્રથમ કંપની છે જેનું માર્કેટ કેપિટલાઈઝેશન ૧ ટ્રિલિયનને પાર ગયું હોય.

બીજા ક્રમે રહેલી ગુગલની બ્રાન્ડ વેલ્યુમાં ૧૦ ટકાનો વધારો થયો છે અને તેની માર્કેટ કેપ ૧૫૫.૫ બિલિયન ડોલર છે, જયારે એમેઝોનની વેલ્યુ ૧૦૦.૮ બિલિયન ડોલર થઈ ગઈ છે.

રિપોર્ટના આંકડા અનુસાર માઈક્રોસોફટ (૯૨.૭ બિલિયન ડોલર) સાથે ચોથા ક્રમે અને કોકા કોલા (૬૬.૩ બિલિયન ડોલર) સાથે પાંચમા ક્રમે છે, જયારે સેમસંગ છઠ્ઠા ક્રમે છે.

ફેસબૂકની વેલ્યુમાં ૬ ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, ડાટા ચોરીના આરોપોના કારણે ફેસબૂકની ઈમેજને મોટો ધક્કો પહોંચ્યો છે અને તેની સીધી અસર કંપનીની બ્રાન્ડ વેલ્યુ પર પડી છે.

ઈન્ટરબ્રાન્ડના ગ્લોબલ ચીફ એકઝીકયુટીવ ચાર્લ્સ ટ્રેવેઈલે જણાવ્યું કે, વૈશ્વિક આર્થિક ક્રાંતિના એક દાયકા બાદ વૈશ્વિક બ્રાન્ડ અત્યંત ઝડપથી વિકસી રહી છે અને જે લોકો તેમનાં ગ્રાહકોનું પુરતું ધ્યાન રાખે છે અને તેમની માગ અનુસાર નવા માર્ગો શોધીને તેમના સુધી પહોંચે છે તે આજે આગળ નીકળી રહ્યા છે.

ટોપ ૧૦૦ બ્રાન્ડ લિસ્ટમાં સ્પોટિફાય અને સુબારુએ પ્રથમ વખત પ્રવેશ કર્યો છે. એલન મસ્કની ટેસ્લા કંપની ૨૦૧૭માં ટોપ-૧૦૦માં હતી, પરંતુ તેની બ્રાન્ડ અને તેના ભવિષ્ય અંગે કેટલાક વિવાદોને કારણે કંપની આ રેસમાં પાછળ પડી છે.

એપલની વાત કરીએ તો તેણે વિવિધ રેન્જ પ્રસ્તુત કરીને પોતાની વેલ્યુમાં જબરદસ્ત વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એપલે તાજેતરમાં જ આઈફોન XS, XS Max અને XR લોન્ચ કર્યા છે. ઈન્ટરબ્રાન્ડ ઈકોનોમિકસના ગ્લોબલ મેનેજિંગ ડિરેકટર માઈક રોચાએ એપલની સફળતા અંગે જણાવ્યું કે, 'કંપની નવા ફોન લોન્ચ કરવાની સાથે-સાથે લોકોને ઉપયોગી એપ્સ પણ બનાવતી રહે છે અને તેમને પુરતી સેવા પણ પુરી પાડે છે. વર્ષ ૨૦૧૭ના નાણાકિય વર્ષમાં તેને સર્વિસ વિભાગમાંથી થતા સેલિંગમાં ૨૩ ટકાનો વધારો થયો હતો અને તે ૩૦ બિલિયન ડોલર પર પહોંચી ગયું છે.'

ઈન્ટરબ્રાન્ડ રિપોર્ટ કંપનીઓની વેલ્યુ તેમના નાણાકિય દેખાવ અને સેવાઓ, લોકોની ખરીદીની પસંદગીમાં એક ભ્રાન્ડ કેવી ભૂમિકા ભજવે છે, તેની સ્પર્ધાત્મકતાની ક્ષમતા કેટલી છે અને બજારમાં ગ્રાહકો પ્રત્યે કંપની કેટલી વફાદાર છે તેના આધારે નક્કી કરે છે.(૨૧.૫)

(11:52 am IST)