Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

રૂપિયો 37 પૈસા ગબડીને 71.58 નવા તળિયે

મુંબઈ:ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે ચાલુ ખાતાની ખાધમાં વધારો થવાની ચિંતાએ રૂપિયો 37 પૈસા ગબડીને 71.58ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે બંધ આવ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલરમાં ઉછાળાને પગલે રૂપિયામાં સતત પાંચમા સેશનમાં ઘટાડો થયો છે.

ઇન્ટર બેન્ક ફોરેન એક્સ્ચેન્જ (ફોરેક્સ)માં ડોલર સામે રૂપિયો અગાઉના 71.21ના બંધ ભાવ સાથે 71.24એ ખૂલ્યો હતો. ઇન્ટ્રા-ડે તેમાં થોડી રિકવરી આવી હતી અને 71.09ના ઊંચા સ્તરે સ્પર્શ્યો હતો. આ પછી ભારે વોલેટિલિટી સાથે સેશનના અંતે 37 પૈસા અથવા 0.52 ટકા ગબડીને 71.58ના ઐતિહાસિક નીચા સ્તરે બંધ આવ્યો હતો. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને 79.26ના ઊંચા સ્તરે પહોંચતાં ફોરેક્સ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

સરકારે જણાવ્યું હતું કે રૂપિયામાં ઘટાડા માટે ઘરેલુ પરિબળો જવાબદાર નથી. રૂપિયો તેની મેળે સ્થિર થશે. વૈશ્વિક વેપારયુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીને કારણે રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે. રૂપિયામાં ઘટાડો અને ક્રુડના ભાવમાં વધારાની બેવડી અસરને કારણે ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે.

આર્જેન્ટીના પેસો, તુર્કીશ લીરા, સાઉથ આફ્રિકન રેન્ડ, બ્રાઝિલિયન રૂપિયાહ જેવી અન્ય ઊભરતા બજારની કરન્સી પણ તૂટી રહી છે. વિશ્વનાં અગ્રણી ચલણો સામે ડોલર ઇન્ડેક્સ વધીને 95.44એ ટ્રેડ થતો હતો.

(11:09 am IST)