Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

'કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઈબલ ' : કરીના કપૂર લિખિત પુસ્તકમાં ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ : FIR નોંધવા માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ : પુસ્તકના શીર્ષકમાં 'બાઇબલ' શબ્દનો ઉપયોગ કરવા સામે વાંધો

જબલપુર : અભિનેત્રી કરીના કપૂર વિરુદ્ધ ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને કથિત રીતે ઠેસ પહોંચાડવા બદલ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કરીનાના પુસ્તક 'કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઈબલઃ ધ અલ્ટીમેટ મેન્યુઅલ ફોર મોમ્સ-ટુ-બી'ને લઈને FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. ક્રિસ્ટોફર એન્થોની નામના વકીલે અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે કપૂરે તેમના પુસ્તકના શીર્ષકમાં 'બાઇબલ' શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનાથી ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

આ અરજી 3 ઓગસ્ટ, 2022 ના રોજ ન્યાયમૂર્તિ દિનેશ કુમાર પાલીવાલની ડિવિઝન બેંચ સમક્ષ આવી હતી, જેમાં અરજદારને રાજ્યને પક્ષકાર બનાવવા અને 6 અઠવાડિયા પછી સુનાવણી માટે આ મામલાને પોસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પીટીશનર એન્થોનીએ પોતાની અરજીમાં કહ્યું છે કે કપૂરે ખ્રિસ્તી સમુદાયનું અપમાન અને બદનામ કરવાની આદત બનાવી છે જે અસ્વીકાર્ય છે. પોતાના દાવાને સમર્થન આપવા માટે, અરજદારે બોલિવૂડ ફિલ્મ 'બ્રધર્સ'માં દર્શાવવામાં આવેલા ગીત "મેરા નામ મેરી હૈ, મેરી સો ટક્કા તેરી હૈ" નો ઉલ્લેખ કર્યો છે.

વધુમાં, અરજદારે એવી રજૂઆત કરી છે કે કપૂરે સસ્તી પ્રસિદ્ધિ અને ખ્યાતિ મેળવવા માટે તેણીની ગર્ભાવસ્થા પર આધારિત પુસ્તક લોન્ચ કર્યું હતું. અરજદારે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેણીના ગર્ભાવસ્થાના અનુભવને શેર કરવા માટે વપરાયેલ શીર્ષક વાંધાજનક છે કારણ કે "બાઇબલ" એ ખ્રિસ્તીઓનો સૌથી પવિત્ર ગ્રંથ છે અને કોઈ પણ રીતે તેની ગર્ભાવસ્થાનું વર્ણન કરતા પુસ્તકના શીર્ષકમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(9:00 pm IST)