Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

LOC પર જવાબી હુમલા બાદ પાકમાં પણ બેઠક થઇ

ઇમરાનની ઉપસ્થિતિમાં સુરક્ષા બેઠક યોજાઈ ગઇ : ક્લસ્ટર બોંબનો ઉપયોગ કરવા ભારત ઉપર આક્ષેપ થયો

ઇસ્લામાબાદ, તા. ૪ : સરહદ પર પાકિસ્તાનની ઘુસણખોરી બાદ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં ભારે નુકસાન થયા બાદ પાકિસ્તાને આજે મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. એલઓસી ઉપર જવાબી કાર્યવાહી કરાયા બાદ પાકિસ્તાની વડાપ્રધાને સુરક્ષા અંગેની બેઠક બોલાવી હતી. નેશનલ સિક્યુરિટી કમિટિની આ બેઠકમાં વિવિધ પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. શનિવારના દિવસે પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર અને ઘુસણખોરીના પ્રયાસ બાદ ભારતીય સેનાએ જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું હતું. પાકિસ્તાની સેનાના સાત જવાનો આમા માર્યા ગયા હતા.

            સાથે સાથે કેટલાક આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. ભારતે પોતાના જવાનોના મૃતદેહને ખસેડી લેવા પાકિસ્તાનને સફેદ ધ્વજ સાથે આવવા માટે કહ્યું હતું પરંતુ પાકિસ્તાન તરફથી પોતાના જવાનોના મૃતદેહ લઇ જવાને લઇને હજુ સુધી કોઇ વાત કરી નથી. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. એલઓસી ઉપર જવાબી કાર્યવાહી બાદ આજે યોજાયેલી બેઠકમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. શનિવારના દિવસે સરહદ પાર કરવાના પ્રયાસમાં પાકિસ્તાનના બેટના સાત જવાન માર્યા ગયા હતા. ત્યારબાદ ભારત તરફથી ફોટાઓ પણ જારી કરાયા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાનને કહ્યું હતું કે, સફેદ ધ્વજ લઇને તેઓ આવી શકે છે અને પોતાના મૃતદેહ લઇને જઇ શકે છે. પાકિસ્તાન તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા આવી ન હતી. કાશ્મીર ખીણમાં સેના અને એરફોર્સને એલર્ટ રાખવામાં આવ્યા બાદ જુદા જુદા અહેવાલ મળી રહ્યા છે. જો કે, સેના અને અધિકારીઓનું કહેવું છે કે, કેટલાક ત્રાસવાદી પાકિસ્તાનથી કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે જેથી સુરક્ષાના કારણોસર આ પગલા લેવામાં આવ્યા છે.

(12:00 am IST)