Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

કાનપુર કાંડમાં ગેંગસ્ટાર વિકાસ દૂબેની માતા જ નારાજ : સરકારને પકડવા અને ગોળી મારવાનું બેધડક કહ્યું

માતા સરલાદેવીએ પુત્રને સરન્ડર થવા સમજાવ્યો અને નહિતર પોલીસ ગોળી મારશે તેમ પણ સંકોચ વિના જણાવી દીધુ

કાનપુર: કાનપુર અથડામણમાં 8 પોલીસકર્મીઓના મોત માટે જવાબદાર કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની જાણકારી આપવા પર પોલીસે 50 હજારનું ઈનામ જાહેર કર્યું છે. હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની માતા સરલા દેવીએ પોતાના પુત્રને સલાહ આપી છે કે તે, સરેન્ડર કરી દે, નહીંતર પોલીસ તેને ગોળી મારી દેશે.

સરલા દેવીએ જણાવ્યુ કે, તેણે (વિકાસે) પોલીસની પકડમાં આવતા પહેલા જ પોતાની જાતને સરેન્ડર કરી દેવી જોઈએ. જો તે સામે નથી આવતો તો, પોલીસ તેને એન્કાઉન્ટમાં મારી દેશે.

 તેમણે વધુમાં જણાવ્યુ કે, હું કહું છુ કે જો પોલીસ તેને પકડી લે છે તો તેને મારી પણ નાંખ. કારણ કે, તેણે ઘણાં લોકોનું ખોટું કર્યુ છે. વિકાસ વિરુદ્ધ ડઝનબંધ સંગીન કેસ ચાલી રહ્યા છે. હત્યા અને હત્યાના પ્રયાસના અનેક કેસ પણ તેમાં સામેલ છે.

કાનપુરમાં શુક્રવારે સવારે હિસ્ટ્રીશીટર વિકાસને પકડવા ગયેલી પોલીસ ટીમ પર બદમાશોએ ગોળીઓ વરસાવી જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા, જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા છે. પોલીસની ટીમ સવારે હત્યાના પ્રયાસના કેસમાં કુખ્યાત વિકાસ દુબેની ધરપકડ કરવા ગઈ હતી.

મુખ્ય આરોપી વિકાસ વિરુદ્ધ 60 કેસ નોંધાયેલા છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે, પણ અત્યાર સુધી તે પોલીસને મળ્યો નથી. આ વચ્ચે કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે વિકાસ દુબે વિશે જાણકારી આપનારને 50 હજાર રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે.

અગાઉ  હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસની ટીમ પર બદમાશોએ અચાનક ફાયરિંગ શરૂ કરી હતી જેમાં એક ડીએસપી સહિત 8 પોલીસકર્મી શહિદ થયા હતા. હુમલામાં 7 પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા હતા.

યોગી સરકારે શહીદોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.

(12:34 pm IST)