Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

લદાખમાં થતી ઘુસણખોરીનો વિડીયો રાહુલ ગાંધીએ શેર કરી વડાપ્રધાનને ભીડવવાનો પ્રયાસ કર્યો

ચીનની ઘુસણખોરી સામે લદાખવાસીઓની રજુઆત

નવી દિલ્હી: ચીન સામે તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ યાત્રા પછી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીની ઘુસણખોરીને લઈને સરકારને કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, દેશભક્ત લદ્દાખી ચીની ઘુસણખોરી વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમની અવાજની અવગણના ન કરવી જોઈએ. સરકારને તેમની વાત સાંભળવી જોઈએ.

  રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં કેટલાક લદ્દાખી લોકો ચીની ઘુસણખોરીની વાત કરી રહ્યા છે. વીડિયોમાં ચીની ઘુસણખોરી અને તેમની ગતિવિધિઓથી સંબંધિત કેટલીક તસવીરો પણ બતાવવામાં આવી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા જણાવ્યુ હતુ કે, દેશભક્ત લદ્દાખી ચીની ઘુસણખોરી વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ બૂમો પાડીને ચેતવણી આપી રહ્યા છે. તેની ચેતવણીની અવગણના કરવી ભારતને મોંઘુ પડી શકે છે. ભારત માટે કૃપા કરીને તેમને સાંભળો.

   LAC પર ચીનના કથિત અતિક્રમણ અંગે રાહુલ ગાંધી સતત હુમલા કરતા રહ્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારે પણ જણાવ્યુ હતું કે લદ્દાખી કહી રહ્યા છે કે ચીને અમારી જમીન પચાવી છે. વડાપ્રધાન કહી રહ્યા છે કે કોઈએ અમારી જમીન નથી લીધી. સ્પષ્ટપણે કોઈ જૂઠ્ઠૂ બોલી રહ્યું છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ઘણા લોકો કહી રહ્યા છે કે ચીની સૈનિકોએ અમારા વિસ્તારમાં ઘુસણખોરી કરી છે. એક વ્યક્તિ કહી રહ્યો છે કે, ચીની સૈનિકો ગલવાન વિસ્તારમાં 15 કિલોમીટર અંદર પ્રવેશી ચૂક્યા છે. લોકોનું કહેવું છે કે, અમારી જમીન પર ચીનનો કબજો વધી રહ્યો છે.

(12:32 pm IST)