Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

૪૫ લાખ સુધીની હોમ લોન પર ૧.૫૦ લાખના વધારાના વ્યાજની છૂટઃ હવે ૩.૫૦ લાખ સુધીના વ્યાજ પર ટેક્ષ નહિ

નવી દિલ્હી, તા. ૫ :. હોમ લોન લેનારાઓને નાણમંત્રી નિર્મલા સિતારામને બજેટમાં કેટલીક મહત્વની રાહત આપી છે. જો તમે હોમ લોન લઈને ઘર ખરીદવા વિચારતા હો કે ઘર ખરીદી ચૂકયા હો અને તેનો હપ્તા ભરતા હો તો તમારા માટે બજેટ સારા સમાચાર લઈને આવ્યુ છે.

હોમ લોનના વ્યાજના ચુકવણા પર પહેલા જ્યાં વર્ષે ૨ લાખની છૂટ મળતી હતી તેને વધારીને ૩.૫૦ લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. એટલે કે હવે તમે લોનના વ્યાજના ચુકવણા પર ૩.૫૦ લાખ રૂપિયા સુધીના ડીડકશનનો લાભ ઈન્કમટેક્ષમાં લઈ શકશો. હોમ લોનના વ્યાજ પર મળતી ઈન્કમટેક્ષ છૂટને વર્ષમાં બે લાખથી વધારી ૩.૫૦ લાખ કરી દેવામાં આવેલ છે. આ છૂટ ૪૫ લાખ સુધીના મકાન પર મળશે.

સેકશન ૮૦-સી હેઠળ હોમ લોનના મૂળધનની રકમની ચુકવણી પર વાર્ષિક દોઢ લાખ રૂપિયા સુધીની ટેક્ષ છૂટ સામેલ છે. સાથોસાથ સેકસન ૨૪ હેઠળ કોઈ નાણાકીય વર્ષમાં વ્યાજના ચુકવણા પર બે લાખ રૂપિયા સુધીની રાહત મળતી હતી તેને વધારીને ૩.૫૦ લાખ રૂપિયા કરી દેવામાં આવેલ છે.

નાણામંત્રીએ કહ્યુ હતુ કે, ૪૫ લાખ રૂપિયાનું ઘર ખરીદનાર પર વધારાના દોઢ લાખ સુધીની છૂટ મળશે. હાઉસીંગ લોનના વ્યાજ પર મળતી કુલ છુટ ૨ લાખથી વધીને ૩.૫૦ લાખ થઈ ગઈ છે.

અત્રે એ નોંધનીય છે કે ટેક્ષ છૂટ ઉપરાંત પીએમ આવાસ યોજના હેઠળ લોન લેનારાઓને વ્યાજ દર પર સબસીડીનો ફાયદો મળે છે. આ સ્કીમ હેઠળ તમારી હોમ લોનના વ્યાજ દર પર મળતી ૨.૬૦ લાખ સુધીની સબસીડીને વધુ લંબાવી દેવામાં આવેલ છે.

(3:31 pm IST)