Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

#Budget2019 : પેટ્રોલ-ડીઝલ-સોના-ચાંદી મોંઘાઃ શ્રીમંતોની કમાણી ઉપર સરચાર્જ : બેન્કમાંથી ૧ કરોડના રોકડ ઉપાડ પર ટેક્ષ : મધ્યમ વર્ગને ઈન્કમટેક્ષમાં કોઈ રાહત નહિ : પેટ્રોલ અને ડીઝલ ઉપર એક એક રૂપિયાની એકસાઈઝ ડયુટીમાં વધારો

સોના - ચાંદી પરની ડયુટી ૧૦ ટકાથી વધારી ૧૨.૫ ટકાઃ વર્ષે ૨ થી ૫ કરોડ રૂપિયાની કમાણી કરનારે ૩ ટકાનો વધારાનો સરચાર્જ આપવો પડશે, જ્યારે પાંચ કરોડથી વધુ કમાનાર ઉપર ૭ ટકાનો વધારાનો સરચાર્જ લાગશે : મધ્યમ વર્ગને હાઉસીંગ લોન પર છૂટઃ ૪૫ લાખ સુધીની ઘર ખરીદવા પર હવે ૩.૫૦ લાખ સુધીની છૂટઃ ઈલેકટ્રીક વાહન ખરીદવા પર અઢી લાખની છૂટ મળશેઃ ૪૦૦ કરોડથી વધુનુ ટર્નઓવર કરનાર કંપનીઓએ ૨૫ ટકા કોર્પોરેટ ટેક્ષ આપવો પડશેઃ જનધન હેઠળ મહિલાઓને ૫૦૦૦નો ઓવરડ્રાફટ મળશે. પાનકાર્ડ વગર ઈન્કમટેક્ષ રીટર્ન અને ટેક્ષ ભરી શકાશેઃબજેટ રજુ કરતા નિર્મલા સિતારામન

નવી દિલ્હી, તા. ૫ :. નાણામંત્રી નિર્મલા સિતારામને આજે મોદી સરકાર-ટુ ના પ્રથમ બજેટમાં મધ્યમ વર્ગને કોઈ મોટી રાહત આપવામાં આવી નથી જ્યારે ગરીબો પર રાહતોનો વરસાદ વરસાવવામાં આવ્યો છે અને શ્રીમંતોના ગજવા પર પ્રહાર કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ ગરીબોને અનેક ભેટ આપી છે તો શ્રીમંતો ઉપરનો ટેક્ષ વધાર્યો છે. જ્યારે મધ્યમ વર્ગ માટે ટેક્ષસ્લેબમાં કોઈ ફેરફાર નથી કર્યો જો કે મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવાના સપનાને સરકાર પુરૂ કરશે. ઘર ખરીદવા માટેની લોન પર મળતી છૂટને ૨ લાખથી વધારી ૩.૫૦ લાખ કરી દેવામાં આવે છે. સરકારે બજેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તેવુ એલાન કર્યુ છે. બન્ને ઈંધણ ઉપર ૧ - ૧ રૂપિયાની સેસ લાગશે. બજેટમાં સોના અને કિંમતી ધાતુઓ ઉપર લાગતી ડયુટીને ૧૦ ટકાથી વધારી ૧૨.૫૦ ટકા કરી દેવામાં આવી છે. જ્યારે તંબાકુ પર વધારાની ડયુટી લગાવવામાં આવી છે. સરકારે અમીરો પર વધુ એક પ્રહાર કરી બેન્કમાંથી ૧ કરોડથી વધુ રોકડ ઉપાડ પર બે ટકાનો ટેક્ષ પણ ઝીંકયો છે. એટલે કે ૧ કરોડથી વધુની રકમ ઉપાડશો તો ૨ લાખ રૂ.નો ટેક્ષ કપાઈ જશે.

આજે સવારે ૧૧ના ટકોરે લોકસભામાં મોદી-ટુ સરકારનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સિતારામને વધુ કમાણી કરનારને વધુ આંચકો આપ્યો છે. બે કરોડ સુધીના ટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ વર્ષે ૨ થી ૫ કરોડ સુધી કમાનારને ૩ ટકા વધારાનો ટેક્ષ આપવો પડશે તો ૫ કરોડથી વધુની કમાણી કરનારાઓને ૭ ટકાનો વધારાનો ટેક્ષ આપવો પડશે.

જો કોઈ વ્યકિત બેન્કમાંથી એક વર્ષમાં ૧ કરોડથી વધુની રકમ ઉપાડે તો તેણે ૨ ટકા ટીડીએસ આપવો પડશે એટલે કે ૧ કરોડથી વધુની રકમ ઉપાડવા પર બે લાખ રૂપિયાનો ટેક્ષ આપવો પડશે. આ ઉપરાંત મોદી સરકારે મધ્યમ વર્ગને પોતાનુ ઘર ખરીદવાના સપનાને સાકાર કરવાની દિશામાં એક મોટુ એલાન કર્યુ છે. ૪૫ લાખ સુધીનુ ઘર ખરીદવા પર તમને ૩.૫૦ લાખ રૂપિયાની છૂટ મળશે જે પહેલા ૨ લાખની મળતી હતી. તો ઈલેકટ્રીક વાહન ખરીદવા પર અઢી લાખની છૂટ આપવામાં આવશે.

આ બજેટ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અમલી બનશે. સરકારે બન્ને પર એક એક રૂપિયાની એકસાઈઝ ડયુટીના વધારાની જાહેરાત કરી છે. એ પછી પેટ્રોલ અને ડીઝલ એક એક રૂપિયો મોંઘુ થશે. સાથોસાથ સરકારે સોનાની ઈમ્પોર્ટ પર ડયુટી ૧૦ ટકાથી ૧૨.૫ ટકા કરી છે અને સોનાની આયાત ડયુટી પર ૨.૫ ટકાનો વધારો કર્યો છે. જ્યારે તંબાકુ પર પણ વધારાની ડયુટી લાગશે. આઈટીઆર પર મોદી સરકારે એક મોટુ એલાન કર્યુ છે હવે આધાર કાર્ડથી પણ લોકો ટેક્ષ ભરી શકશે અને રીટર્ન ભરી શકશે. પાન અને આધાર બન્ને કામ આવશે.

નિર્મલા સિતારામને એલાન કર્યુ છે કે, ૪૦૦ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળી કંપનીઓએ ૨૫ ટકા કોર્પોરેટ ટેક્ષ આપવો પડશે જે હેઠળ ૯૯ ટકા કંપનીઓ આવી જશે. તેમણે ઈ-વાહન પર જીએસટીને ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કર્યો છે. સાથોસાથ સ્ટાર્ટઅપ માટે મોટી છૂટ આપી છે. સ્ટાર્ટઅપને એન્જલ ટેક્ષ આપવો નહિ પડે. સાથોસાથ આયકર વિભાગ પણ તેની તપાસ નહિ કરે.

વિદેશમાં રહેતા ભારતીયો માટે સરકારે એક મોટી એલાન કર્યુ છે. હવે એનઆઈઆરને ભારત આવતા જ આધારકાર્ડની સુવિધા મળશે. સાથોસાથ તેમને ૧૮૦ દિવસ સુધી ભારતમાં રહેવાની જરૂર નહિ રહે.

મહિલાઓને મોદી સરકારે મોટી રાહત આપી છે. જનધન ખાતુ ધરાવનાર મહિલાઓને ૫૦૦૦ રૂ.નો ઓવરડ્રાફટ અપાશે. મહિલાઓને ૧ લાખ રૂ.ની મુદ્રા લોન પણ અપાશે. સરકારે જણાવ્યુ છે કે, ૩૬ કરોડ એલઈડી બલ્બ વહેંચવામા આવ્યા છે. જે થકી ૧૮૪૩૧ કરોડની બચત થઈ છે. નાણામંત્રીએ નાના દુકાનદારોને પેન્શન આપવાની પણ જાહેરાત કરી છે. માત્ર ૫૯ મીનીટમાં તમામ દુકાનદારોને લોન આપવાની યોજના છે જેનો લાભ ૩ કરોડ દુકાનદારોને મળશે.(૨-૨૬)

શું સસ્તુ ?

ડીફેન્સ ઈકવીપમેન્ટ

ઈલેકટ્રીક વાહન પાર્ટસ

શું મોંઘુ ?

ઓટોપાર્ટસ

સીસીટીવી કેમેરા

મેટલ ફીટીંગ

આયાત થતા પુસ્તકો

સોનુ

ટાઈલ્સ

પેટ્રોલ-ડીઝલ

માર્બલ

વિડીયો રેકોર્ડર

(4:01 pm IST)