Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

લુડો ગેમને કૌશલ્યની જગ્યાએ નસીબની રમત તરીકે જાહેર કરવા માંગ : મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ

એમએનએસ પદાધિકારી દ્વારા અરજી : હાઇકોર્ટે રાજ્ય સરકારનો જવાબ માંગ્યો : 22 જૂને સુનવણી

મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) પદાધિકારી દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં લોકપ્રિય લુડો ગેમને કૌશલ્યની જગ્યાએ નસીબની રમત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

 મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS)પદાધિકારીએ કહ્યું છે કે “લુડો ગેમમાં લોકો પૈસા દાવ પર લગાવી રહ્યા છે. ઉપરાંત અરજીમાં મોબાઈલ એપ સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.” આ મામલે મુંબઈ હાઈકોર્ દ્વારા 22 જૂને સુનાવણી ધરવામાં આવશે. ઉપરાંત આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી તેનો જવાબ પણ માંગ્યો છે.

અરજી મુજબ લુડોની રમતમાં પાસા પડ્યા બાદ તેના પર આવતા અંકો પર નિર્ભર  કરે છે. એટલે જોવા જઈએ તો લુડોની રમત કૌશલ્યની જગ્યાએ નસીબ પર આધાર રાખે છે. જ્યારે લોકો આ રમતમાં કંઈક શરત લગાવે છે, ત્યારે આ રમત જુગારનું રૂપ લે છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે “લોકો લુડો એપ પર નાણાંનું રોકાણ કરી રહ્યા છે”. લોકો પાંચ-પાંચ રૂપિયાની શરત લગાવે છે, ત્યારબાદ 17 રૂપિયા વિજેતાના ખાતામાં પહોંચે છે. જ્યારે ત્રણ રૂપિયા એપ્લિકેશનના શેરમાં જાય છે.

અરજદારના વકીલનું કહેવું છે કે લુડો ગેમના નામ પર જુગાર સામજીક દુષણનું રૂપ લે છે. મહત્વપૂર્ણ છે કે આ પહેલાં મેજીસ્ટ્રેટ કોર્ટમાં પણ અરજી થઈ હતી. જ્યાં લુડોની રમતને કૌશલ્યની ગેમ ગણાવીને એફ.આર.આઈ નોંધણી કરવાનો ઈનકાર કર્યો હતો.

(8:28 pm IST)