Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

આખરે મોદી સરકારે જીએસટીની રાજ્યોની બાકી વળતરની રકમ 36400 કરોડ જારી કરી દીધા

અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન સાથેની બેઠકો દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો પણ હતો.

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 36,400 કરોડ રૂપિયાની GST વળતરની જાહેરાત કરી દીધી છે. આ જીએસટીની રકમ ડિસેમ્બર 2019થી ફેબ્રુઆરી 2020 સુધીની હોવાનું જણાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશના વિભિન્ન રાજ્યો GST ચૂકવણીને લઈને મોદી સરકારની ટીકા કરતા રહ્યાં છે. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન સાથેની બેઠકો દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો પણ હતો.

 કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે રાજ્યોને કોરોના મહામારીની વર્તમાન સ્થિતિ સામે લડવા માટે રૂપિયાની ખૂબજ જરૂરિયાત હતી. એપ્રિલ-નવેમ્બર-2019ની મુદ્દત માટે કેન્દ્ર સરકાર દ્વારા 1,15,093 કરોડ રૂપિયાની કુલ GST રકમ પહેલા જ જાહેર કરી દેવામાં આવી હતી.

 દેશના અનેક રાજ્યો GST વળતરને લઈને લાંબા સમયથી માંગ કરી રહ્યાં હતા, કારણ કે લૉકડાઉન અને કોરોનાના કારણે તેમની અર્થ વ્યવસ્થા પર માઠી અસર પડી હતી. રાજ્યો પોતાના નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આજ કારણે અનેક રાજ્યોએ દારૂ અને પેટ્રોલ-ડિઝલ પર ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો

ટેક્સમાં વધારાની શરૂઆત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 70 ટકા ટેક્સ વધારવા સાથે કરી હતી. જે બાદ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ટેક્સ વધારીને રાજ્યની તિજોરી ભરવામાં આવી રહી છે.

(1:11 pm IST)