Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કોંગીમાં આજે'ય કડાકોઃ વધુ એક રાજીનામુ ?

સૌરાષ્ટ્રના પ્રતિભાવંત પાટીદાર ધારાસભ્ય પક્ષ છોડવાની તૈયારીમાં: સાંજ સુધીમાં ધડાકો

રાજકોટ, તા. ૫ :. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્ય રાજીનામુ આપી પાર્ટીને આંચકો આપી રહ્યા છે. ગઈકાલે કરજણ અને કપરાડાના ધારાસભ્યએ રાજીનામુ આપ્યા બાદ આજે સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય રાજીનામાના માર્ગે હોવાનું જાણવા મળેલ છે. કોંગ્રેસને કમ્મરતોડ ફટકો લાગે તેવો ઘા કરવાની તૈયારીને ભાજપે આખરી ઓપ આપી દીધો છે. છેલ્લી ઘડીના કોઈ ફેરફાર ન થાય તો આજે સાંજ સુધીમાં જ ધડાકો થઈ જશે.

૨૦૨૦માં કોંગ્રેસના ૭ ધારાસભ્યો રાજીનામુ આપી ચૂકયા છે. હવે પછી જે રાજીનામા પડે તેટલી વધારાની બેઠકો ખાલી પડશે. આજે ભાજપે કોંગ્રેસના શિક્ષિત અને અભ્યાસુ ધારાસભ્ય તરફ નજર દોડાવી તેને ખેડવવામાં લગભગ સફળતા મેળવી લીધી છે. આ ધારાસભ્યનું પાટીદાર સમાજમાં પણ મોટુ નામ છે. રાજકોટ પંથકમાં તેનુ રાજકીય જોડાણ હોવાનું કહેવાય છે. જો તેઓ ભાજપમા જોડાઈ તો કોંગ્રેસને મોટી ખોટ પડે તેમ છે. તેઓ જાહેર જીવનના વર્ષોના અનુભવી છે. રાજ્યસભાની ચૂંટણીમાં ૩ બેઠકો જીતવા ભાજપે પયાપ્ત સંખ્યા બળ પ્રાપ્ત કરી લીધુ છે. ભાજપે હવે જે ઓપરેશન હાથ ધર્યુ છે તે ધારાસભ્યને રાજીનામા બાદ પેટાચૂંટણીમાં ફરી એ જ બેઠક પર ટીકીટ આપવાનું વચન અપાયાનું ચર્ચાય રહ્યુ છે. આ કથીત રાજીનામાની વાતે રાજકીય ગરમાવો વધાર્યો છે.

(10:41 am IST)