Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

જયલલિતા બીમાર પડયાં ત્યારે તેમના ઘરમાં હાજર બે નવા નોકર કોણ હતા?

અમ્માના મૃત્યુનું રહસ્ય ઘૂંટાય છે, શશિકલા અને ડોકટરના નિવેદનમાં ખાસ્સો તફાવત

ચેન્નાઇ તા. ૫: તામિલનાડુનાં ભુતપુર્વ મુખ્ય પ્રધાન જયલલિતાના અંતિમ દિવસો વિશે તેમના ડોકટર શિવકુમારે તપાસપંચ સામે એક નવો ખુલાસો કર્યો છે. ડોકટરે કહયું હતું કે '૨૦૧૬ની ૨૨ સપ્ટેમ્બરે સાંજે સાત વાગ્યે મને શશિકલાનો ફોન આવ્યો હતો. હું તેમના ઘરે ગયો ત્યારે બે નોકરો ઘરમાં હાજર હતા જેમને મે આ અગાઉ કયારેય જોયા નહોતા.'

ડોકટરના આ નિવેદને જયલલિતાના મોતનું કોકડું ગૂંચવી દીધું છે.

જોકે શશિકલાએ તેમના ૯૯ પેરેગ્રાફની એફિડેવિટમાં આવો કોઇ ઉલ્લેખ કર્યો નથી. તેમણે કહયું હતું કે 'જયલલિતાને થાકેલાં જોઇને મેં તેમને હોસ્ટિપલ લઇ જવાની વાત કરી હતી, પણ તેમણે ના પાડી હતી. તેમનો તાવ અચાનક જો ઓછો થઇ ગયો હતો અને ત્યારે જ ડોકટર તેમને જોવા આવ્યા હતા.'

જોકે ડોકટરનું કહેવું છે કે તેઓ પહોંચ્યા ત્યારે જયલલિતા સામાન્ય લાગી રહયા હતાં.

ઘટનાની વિસ્તૃત જાણકારીમાં પણ શશિકલા અને ડોકટરના નિવેદનમાં ફરક જણાય છે. શશિકલાએ કહયું હતું કે, 'હું રાતના ૯:૩૦ વાગ્યા સુધી જયલલિતા સાથે જ હતી. ત્યારે જયલલિતા અચાનક ઊઠીનેે બ્રશ કરવા ગયા અને પછીથી ઠીક ન લાગતાં મને બુમ પાડીને બોલાવી. મેં તેમનો હાથ પકડીને તેમને પલંગ પર બેસાડયા. ત્યારબાદ થોડી જ વારમાં મારા ખભા પર ઢળીને બેહોશ થઇ ગયાં અને એજ સમયે ડોકટરે રૂમમાં પ્રવેશ કર્યો હતો.'

જોકે ડો. શિવકુમારે જણાવ્યું હતું કે, 'હું પહોંચ્યો ત્યારે જયલલિતા ખાંસી રહયા હતાં અને તેમને તાવ પણ હતો. જયલલિતાએ મને જવાનું કહયા છતાં મેં તેમના માટે ઓકિસજન માસ્ક મંગાવ્યો. ત્યારબાદ કોઇના પણ સહારા વિના જયલલિતા બાથરૂમ ગયાં હતાં અને બાથરૂમમાંથી બહાર નીકળ્યા બાદ સતત ખાંસતા રહયાં અને પછી અચાનક બેહોશ થઇ ગયાં હતાં.'

શશિકલાએ કહયા મુજબ જયલલિતા એમ્બ્યુલન્સમાં ભાનમાં આવ્યાં હતાં અને તેમણે પુછયું હતું કે હું કયા છું ? જોકે ડોકટરના મતે હોસ્પિટલમાં બલ્ડ-ટેસ્ટ, ઇસીજી અને અન્ય ટેસ્ટ કર્યા બાદ જયલલિતા ભાનમાં આવ્યાં હતાં.

૨૦૧૬ ની ૨૨ સપ્ટેમ્બરે આઇસીયુની બહાર ઊભેલા અધિકારીઓને જયલલિતાએ ઓળખી કાઢયા હતા, જયારે ડોકટરનું કહેવું છે કે તેમને કોઇ અધિકારીની હાજરી યાદ નથી. (૧.૨)

(11:31 am IST)
  • કચ્છ ;કંડલા CISFએ કંડલા જેટી નજીકથી એક શંકાસ્પદ શખ્શની 11 સીમકાર્ડ સાથે ધરપકડ કરી :વધુ તપાસ માટે કંડલા મરીન પોલીસના હવાલે કરાયો access_time 12:48 am IST

  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST

  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST