Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

મુંબઈમાં બોણીમાં જ ભારે વરસાદઃ ઠેર-ઠેર ઘુંટણ સમા પાણી ભરાયા

મુંબઈમાં મેઘરાજાએ સટાસટી બોલાવીઃ ભીવંડીમાં દિવાલ ધસી પડતા એકનું મોત, પાંચને ઈજાઃ ભારે વરસાદથી ટ્રાફીકજામના દ્રશ્યોઃ ટ્રેન વ્યવહાર-વિમાન સેવાને અસરઃ રત્નાગીરીમાં ૭ ઈંચ વરસાદ ખાબકયોઃ મુંબઈમાં અંધેરીમાં સૌથી વધુ વરસાદ નોંધાયોઃ હજુ ભારે વરસાદની આગાહી

મુંબઈ, તા. ૫ :. મુંબઈમાં ચોમાસા પૂર્વે જ મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. ગઈકાલ સાંજથી શરૂ થયેલા વરસાદે અત્યાર સુધીમાં દોઢ થી બે ઈંચ વરસાદ વરસાવી દીધો હોવાનું જાણવા મળે છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ભીવંડીમાં દિવાલ ધસી પડતા એકનુ મોત થયુ હતુ અને પાંચને ઈજા થઈ હતી.

રત્નાગીરીમાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે તો મુંબઈમાં સૌથી વધુ અંધેરીમાં સૌથી વધુ ૪૬ મી.મી., દહીંસરમાં ૪૩, ધારાવીમા ૩૯, વડાલા ૩૫, ભાઈખલા ૩૩ મી.મી. વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ મુંબઈમાં ધમાકેદાર એન્ટ્રી નોંધાવી છે. ગઈકાલે દિવસભર બફારા બાદ સાંજે મેઘસવારી આવી પહોંચી હતી. પ્રારંભે સટાસટી બોલાવતા ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. હિંદમાતા, મલબાર હિલ્સ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ભારે પવન અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા હતા. ભારે વરસાદથી અનેક વિમાનો મોડા પડયા હતા અને લોકલ ટ્રેનો પણ ધીમી દોડતી હતી. વરસાદને કારણે વેસ્ટર્ન એકસપ્રેસ વે પર ટ્રાફીકજામ સર્જાયો હતો. પ્રથમ જ ઈનીંગ્ઝમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.

મુંબઈના અનેક વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. હવામાન ખાતુ કહે છે કે, આવતા દિવસોમાં તોફાની વરસાદ પડે તેવી શકયતા છે. લોકોને એલર્ટ રહેવા જણાવાયુ છે. સ્કાયમેટના મતે એક સપ્તાહમાં મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. ૮મી સુધીમાં ચોમાસુ મુંબઈમાં પહોંચી જશે તેવી ધારણા રાખવામાં આવે છે.(૨-૨)

(11:29 am IST)