Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કોરોના સામે જાદુ પણ હાંફી ગયો, જુનિયર કે. લાલની અતે વસમી વિદાય

૭૧ વર્ષની વયે નખમાં પણ રોગ ન હતો તેવા ખ્યાતનામ જાદુગર કોરોના સામેના જંગમાં અંતે પરાસ્ત, એટેક જીવલેણ બન્યો : વિશ્વભરમાં જાણીતા કે.લાલ પરિવાર સાથે અકિલા પરિવારને આત્મીય સંબંધો, મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ

 રાજકોટ તા.૫, દેશમાં સ્પીડ પકડી રહેલ કાળ રૂપી કોરોના એક પછી એક લોકોને ભોગ બનાવી રહ્યો છે,ત્યારે આ શૃંખલામાં વિશ્વ પ્રસિદ્ધ જાદુગર સ્વ.કે.લાલના પુત્ર અને દુનિયાભરમાં જાદૂઈ કલા દ્વારા નામના હાસલ કરનાર કે.લાલ જુનિયર તરીકે જાણીતા હસુભાઈ વોરા અર્થાત્ હર્ષદરાય વોરા એક લડવૈયા જેમ લડત આપવા છતાં અંતે પરાસ્ત થયા છે. ગઈકાલે અમદાવાદ હોસ્પિટલમાં તેમને સારવાર દરમિયાન આવેલ એટેક જીવલેણ બન્યો અને પ્રાણ ત્યજી દિઘા હતા. 

 મૂળ સૌરાષ્ટ્રનાં બગસરા પંથકનાં વાતની એવા સ્વ.કે. લાલ દ્વાર વિશ્વના ફલક પર જાદૂઈ કલા દ્વારા દેશનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું તેમાં જુનિયર કે.લાલ અર્થાત્ સ્વ.હસુભાઈનો ફાળો મોટો હતો.    

તેમના પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલ જાણીતા ઉદ્યોગકાર હિમાંશુભાઈ વોરા દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં આપેલ માહિતી મુજબ હસુભાઈ પોતાના પરિવાર સાથે થોડો સમય અગાઉ મહારાષ્ટ્ર અર્થાત્ મહા બલેશ્વર ગયેલ. કોઇ સંબંધીને ત્યાં લગ્નમાં પરિવાર સાથે ગયા બાદ પરત આવ્યા બાદ તેમને સંક્રમણની અસર વર્તાવા લાગેલ.

સ્વ હસુભાઈ, હર્ષદરાય વોરા બાદ ધીરે ધીરે પરિવારને પણ અસર થવા લાગી હતી. સાવચેતી ખાતર જેમનો રીપોર્ટ નેગેટિવ આવેલ તેવા સભ્યને અન્યત્ર મોકલી દેવાયેલ. 

 સ્વ.હસુભાઈ પિતાશ્રીના નિધન બાદ પણ જાદુ વારસાની કલા જીવંત રાખવા સતત ઝઝૂમતા હતા, પિતાશ્રી વિશ્વ જાદુ સમાર્ટ કે.લાલ માફક માફક જાદુના અવનવા પ્રયોગો ચાલુ જ રાખતા. સહુથી જોખમી પ્રયોગ જાતે જ કરતા હતા.  

 'અકિલા' પરિવાર સાથે વર્ષોથી આત્મીય નાતો ધરાવતા હતા. અકીલાના મોભી શ્રી.કિરીટભાઇ  ગણાત્રા પ્રત્યે ખૂબ જ આદર રાખતા. રાજકોટ આવે ત્યારે પિતા માફક સહુ પ્રથમ શ્રી. કિરીટભાઇ ને ફોન કરે અને ત્યારબાદ રૂબરૂ મળી, શો સાથે પારિવારિક ચર્ચા કરે,.   

 રાજકોટમાં છેલ્લા વખત શો કરવા આવ્યા ત્યારે હેમુ ગઢવી હોલમાં સ્ટેજ પર મારુતિ કાર લાવી ગાયબ કરવાના કર્તબે લોકોમાં ભારે કુતૂહલ જગવેલ. સ્વ.હસુભાઈના પરિવાર કે જે અમદાવાદ આશ્રમ રોડ ખાતે વસવાટ કરેછે,પરિવારમાં તેમના માતુશ્રી પુષ્પાબેન,પત્ની જયશ્રી બેન અને બે પુત્રો છે, એક પુત્ર કેમિકલ બિઝનેસ સાથે સંકળાયેલ છે જયારે બીજા પુત્ર આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલ છે.                                  

અકિલા પરિવારના મોભી શ્રી. કિરીટભાઇ ગણાત્રા, 'અકિલા' ના તંત્રી શ્રી.અજીતભાઈ ગણાત્રા, શ્રી. રાજુભાઈ ગણાત્રા તથા  અકિલાના વેબ એડીશ્નના તંત્રીશ્રી નીમિષભાઈ ગણાત્રા તથા પરિવારજનો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ. 

(11:40 am IST)