Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

આસામના ચાના બગીચામાં જોવા મળ્યો ૧૬ ફિટ લાંબો કિંગ કોબ્રા

એકવાર કોબ્રા પૂરતો ખોરાક લે છે, તે પછીના બે થી અઢી અઠવાડિયા સુધી ખોરાક વિના રહી શકે છે

નવી દિલ્હી, તા.૫: આસામનાં નગાંવમાં સ્થિત એક ચાનાં બગીચામાં ૧૬ ફિટ લાંબો એક મહાકાય કિંગ કોબ્રા મળી આવ્યો છે, લગભગ ૨૦ કિલો વજનનો આ કિંગ કોબ્રાને પકડવામાં વન વિભાગની ટીમને પરસેવો છુટી ગયો, ચાનાં બગીચામાં કામ કરતા લોકોને શનિવારે આ કિંગ કોબ્રાને જોયો હતો, આ ઝેરી નાગને જોઇને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટના સ્થળે પહોંચ્યા બાદ વન વિભાગની ટીમ ચાના બગીચામાં કોબ્રાને પકડવા માટે ઉતરી પડી. વન વિભાગનાં કર્મચારીઓ પણ ૧૬ ફૂટ લાંબો આ કોબ્રાને પકડવા માટે ભારે જહેમત ઉઠાવવી હતી. કારણ કે સાપ મોટો હતો અને તેનું વજન પણ ખૂબ વધારે હતું. એક ખતરો પણ હતો કે તે વળતો હુમલો કરી શકે તેમ હતો, જોકે નિષ્ણાતોની ટીમ પહેલેથી સજાગ હતી અને સાપને પકડવામાં સફળ રહી.

ચાના બગીચામાંથી નાગને પકડ્યા પછી વન વિભાગની ટીમે કોબ્રાને જંગલમાં છોડી દીધો. ઝેરીલા સાપને જોવા માટે ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં. નાગોમાં સૌથી ઝેરી કોબ્રા છે. એવું માનવામાં આવે છે કે એકવાર કોબ્રા પૂરતો ખોરાક લે છે, તે પછીના બે થી અઢી અઠવાડિયા સુધી ખોરાક વિના રહી શકે છે.

(10:05 am IST)