Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

એક દિવસમાં સૌથી વધુ કેસમાં ભારત વિશ્વમાં ટોચ પર પહોંચ્યું

ચાર માસ બાદ ૫૦૦થી વધુએ જીવ ગુમાવ્યા : આવું ઓક્ટોબર પછી આ વર્ષમાં પહેલીવાર બન્યું હતું કે ભારતમાં દુનિયાના દેશો કરતા વધુ કેસ નોંધાયા છે

નવી દિલ્હી, તા.૪ : શનિવારે દેશમાં કોરોનાના નવા કેસનો આંકડો ૯૩,૦૦૦ નવા કેસને પાર કરી ગયો છે, આ સાથે ૪ મહિના પછી ૫૦૦થી વધુ લોકોએ ૨૪ કલાકમાં જીવ ગુમાવ્યો છે. ફરી એકવાર દુનિયાભરમાં એક દિવસમાં નોંધાતા કોરોના કેસમાં ભારત ટોપ પર પહોંચ્યું છે. શુક્રવારે ભારતમાં ૮૯,૦૦૦ની નજીક એક દિવસના કેસ નોંધાયા હતા, જે દુનિયાના દેશોમાં ૨૪ કલાકમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ હતા, ભારતે અમેરિકા (૭૦,૦૨૪) અને બ્રાઝિલ (૬૯,૬૬૨)ને પાછળ છોડ્યા હતા. વર્લ્ડઓમીટર.ઈન્ફો મુજબ, આવું ઓક્ટોબર પછી આ વર્ષમાં પહેલીવાર બન્યું હતું કે ભારતમાં દુનિયાના દેશો કરતા વધુ કેસ નોંધાયા છે. અમેરિકા સૌથી મોટું કોરોના હોટ સ્પોટ બન્યું હતું ત્યારે, પાછલા વર્ષે ૧૯ ઓક્ટોબરે સાત દિવસના સરેરાશ કેસનો આંકડો દુનિયાભરમાં સૌથી ઊંચો રહ્યો હતો. રાજ્ય સરકારો પાસેથી મેળેલા આંકડા પ્રમાણે, શનિવારે ભારતમાં ૯૩,૦૭૭ નવા કેસ નોંધાયા છે.

              પાછલા વર્ષે ૧૯ સપ્ટેમ્બરે નવા કેસ નોંધાયા બાદ પહેલીવાર દેશમાં એક સાથે આટલા બધા કેસ નોંધાયા છે. આ પહેલા ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક કોરોના વાયરસના કેસ ૧૭ સપ્ટેમ્બરના રોજ ૯૮,૭૯૫ નોંધાયા હતા. ૪ ડિસેમ્બર ૨૦૨૦ પછી પહેલીવાર ભારતમાં કોરોના વાયરસથી એક જ દિવસમાં થતા મૃત્યુઆંક ૫૦૦ને પાર ગયા છે, ૨૪ કલાકમાં દેશમાં ૫૧૪ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં હજુ પણ કોરોના વાયરસના કેસનો આંકડો દેશમાં સૌથી ઊંચો છે, અહીં શનિવારે ૪૯,૪૪૭ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ૨૭૭ લોકએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો, જે ૧૬ ઓક્ટોબરના રોજ નોંધાયેલા ૩૦૮ કેસ પછીના બીજા નંબરના સૌથી વધુ કેસ છે. આ સાથે મુંબઈમાં પણ એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૯,૧૦૮ નવા કેસ નોંધાયા છે. શહેરમાં વધુ ૨૭ લોકોએ જીવ ગુમાવ્યો છે, જે ૪ નવેમ્બર પછીનો સૌથી મોટો આંકડો બન્યો છે. મહારાષ્ટ્ર સિવાય ત્રણ રાજ્યો છે જ્યાં શનિવારે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે, જેમાં છત્તીસગઢ (૫,૮૧૮), મધ્ય પ્રદેશ (૨,૮૩૯) અને ગુજરાત (૨,૮૧૫)નો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય રાજ્યો/કેન્દ્રી શાસિત પ્રદેશમાં આ વર્ષના સૌથી વધુ કેસ નોંધાયા છે તેમાં તામિલનાડુ (૩,૪૪૬), ઉત્તરપ્રદેશ (૩,૨૯૦)નો સમાવેશ થાય છે. આ સિવાય હરિયાણા ૧,૯૫૯ કેસ (૨૮ નવેમ્બર પછી સૌથી વધુ), બંગાળ ૧,૭૩૬ (૨૦ ડિસેમ્બર પછી સૌથી વધુ કેસ), રાજસ્થાન ૧,૬૭૫ (૭ ડિસેમ્બર), આંધ્રપ્રદેશ ૧,૩૯૮ (૧૭ નવેમ્બર), તેલંગાણા ૧,૦૭૮ (૧૧ નવેમ્બર), ઝારખંડ ૮૭૩ (૧ સપ્ટેમ્બર), બિહાર ૮૩૬ (૯ નવેમ્બર), હિમાચલ પ્રદેશ ૪૧૮ (૧૮ ડિસેમ્બર) અને ચંદીગઢ ૩૧૦ (૧૬ સપ્ટેમ્બર).

(9:07 am IST)