Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

યુપીમાં ભાજપ ૧પ થી રપ બેઠકોનું નુકશાન જોવે છેઃ બંગાળમાં મોદી મેજિક?

ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ગુજરાત સહિતના રાજયોનું સંભવિત નુકશાન બંગાળ અને દક્ષિણમાં સરભર કરવાની ભાજપની કલ્પનાઃ ર૦૧૪ માં યુપીમાં ફર્યુ તેવુ બુલડોઝર બંગાળમાં ફેરવવા ભાજપે તમામ તાકાત કામે લગાડીઃ રામ માધવે મોરચો સંભાળ્યો

રાજકોટ, તા. ૫ :. લોકસભાની ચૂંટણીના પહેલા ચરણના મતદાન આડે અઠવાડીયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. દેશમાં હવે પછી કોની સરકાર આવશે ? તે સવાલ લોકોના મોઢે સતત આવી રહ્યો છે. યુપીએ અને એનડીએ બન્ને નવી સરકારની રચના માટે દાવો કરી રહ્યા છે. ત્રીજો મોરચો પણ આશાવાદી છે. લોકસભાની સૌથી વધુ ૮૦ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશનું કેન્દ્ર સરકારની રચનામાં નિર્ણાયક યોગદાન રહે છે. યુપીમાં ગયા વખતે મોદી વેવના કારણે ભાજપે ૮૦માંથી ૭૨ બેઠકો મળી હતી. આ વખતે વેવ દેખાતો નથી અને સપા તથા બસપા ભેગા થઈને ચૂંટણી લડે છે તેથી ઉત્તર પ્રદેશમાં ગયા વખત કરતા વધુ બેઠકો મળવાના સત્તાવાર દાવા વચ્ચે ભાજપના વર્તુળો સંભવિત નુકશાનીનો સ્વીકાર કરે છે. યુપીમાં ભાજપને ૧૫ થી ૨૫ બેઠકોનું નુકશાન જશે તેવુ ખુદ ભાજપના જ વતુળોના તાજેતરના આંતરિક સર્વેનું તારણ હોવાનુ જાણવા મળે છે. યુપી સહિતના રાજ્યોમાં થનાર સંભવિત નુકશાનને પહોંચી વળવા ભાજપે પશ્ચિમ બંગાળ અને દક્ષિણના રાજ્યો તરફ નજર દોડાવી છે.

યુપીમાં સપા-બસપાના જોડાણને કારણે મતોનું વિભાજન અટકશે. જેની સીધી વિપરીત અસર ભાજપને થશે. યુપીમાં ભાજપે યોગી સરકાર અને મોદી સરકારની કામગીરીના આધારે મત માગ્યા છે. રાજકીય સમીક્ષકો ભાજપને ૩૫ થી ૪૫ બેઠકો મળવાનો અંદાજ લગાવે છે પરંતુ ભાજપના વર્તુળો કથીત સર્વેના આધારે ૫૦ થી ૫૫ બેઠકો મળવાનો નિર્દેશ કરી રહ્યા છે. ૭૨થી જેટલી ઓછી બેઠકો મળે તેટલુ ભાજપને નુકશાન જ છે.

યુપી ઉપરાંત બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ વગેરેમાં નાનામોટા નુકશાનની સંભાવનાને ભાજપના વર્તુળો સમજી રહ્યા છે. ભાજપને ગુજરાતમાં તમામ બેઠકો મળવાની અથવા નહિવત નુકશાન જ થવાની આશા છે. યુપી અને અન્ય રાજ્યોમાં થનાર નુકશાન સરભર કરવા પશ્ચિમ બંગાળ તરફ ભાજપે વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ લાંબા સમયથી ત્યાંનો મોરચો સંભાળી રહ્યા છે. ૨૦૧૪માં યુપીમાં ભાજપનું બુલડોઝર ફર્યુ તેવુ બુલડોઝર આ વખતે બંગાળમાં ફેરવવાના ભાજપના પ્રયાસો છે. ૪૨ પૈકી ગયા વખતે ૩ બેઠકો જ ભાજપને મળેલ. આ વખતે મમતાના ગઢમાં ૧૫ થી ૨૦ બેઠકોનું ગાબડુ પાડવાનું ભાજપનું ગણિત છે. જો ભાજપની કલ્પના મુજબ મોદી મેજીક ચાલે તો બેઠકોનો આંકડો ઘણો મોટો થઈ શકે છે. ઉપરાંત કર્ણાટકમાં ૨૦૧૪માં ૨૮માંથી ૧૬ બેઠકો મળેલ ત્યાં આ વખતે ભાજપ ૧૮થી ૨૨ બેઠકો મેળવવા માટે આશાવાદી છે. તામીલનાડુમાં સાથી પક્ષ પર આશાભર્યો મદાર છે. કેરાલામાં પણ પગ પેસારો મજબુત કરવા માંગે છે. સમગ્ર દેશમાં ૨૦૧૪માં ભાજપને ૨૮૨ બેઠકો અને એનડીએને ૩૨૮ જેટલી બેઠકો મળેલ. આ વખતે એકલો ભાજપ ૨૨૦થી ૨૫૦ બેઠકો મળવાનો અંદાજ લગાવે છે. સાથી પક્ષોની થઈને ૩૦૦ આસપાસ કે તેથી થોડી વધુ બેઠકો થઈ શકે તેવુ ભાજપનું તારણ છે. એકલા હાથે ભાજપ સરકાર રચવાની સ્થિતિમાં રહે તો પણ નવી સરકાર એનડીએની હશે અને નરેન્દ્રભાઈ જ વડાપ્રધાન હશે તે બાબતમાં ભાજપના સર્વે કરનારાઓને શંકા લાગતી નથી.

(11:41 am IST)