Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

હંગામાને કારણે ગૃહની કાર્યવાહી ઠપ્પ:બેન્ક ગોટાળા,SC /ST સંરક્ષણ,અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે વિપક્ષના દેખાવો:સરકાર વિરુદ્ધ સુત્રોચાર

વિપક્ષી સાંસદોના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી પણ સામેલ

 

નવી દિલ્હી :સંસદમાં હંગામાને કારણે ગૃહની કાર્યવાહી ઠપ્પ કરતા વિપક્ષીદળોએ સંસદ બહાર દેખાવો કર્યા હતા અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરાયા હતા વિપક્ષી દળોના સાંસદો સાથે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ દેખાવોમાં સામેલ થયા હતા.

   બેંક ગોટાળો, એસસી-એસટી અનામત અને અવિશ્વાસ પ્રસ્તાવ જેવા મુદ્દે  કેન્દ્ર સરકારને ઘેરવા માટે વિપક્ષી પાર્ટીઓએ સંસદભવનની બહાર પણ વિરોધ કર્યો હતો. તમામ વિપક્ષી દળના સાંસદોએ સંસદની બહાર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રો લગાવ્યા હતા  સરકાર વિરુદ્ધ વિવિધ મુદ્દાઓ પર થઈ રહેલા વિપક્ષી દળોના સાંસદો દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી પણ સામેલ થયા હતા.

   કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં પાર્ટીના સાંસદોને ત્રણ લાઈની વ્હિપ જાહેર કરીને તેમને ગૃહમાં હાજર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. સંસદના બંને ગૃહોમાં સતત વીસમા દિવસે કોઈપણ પ્રકારની કામગીરી થઈ શકી નથી. ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસ તથા કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ સંબંધિત નોટિસ આપી હતી.

    વિપક્ષી દળો બેંક ગોટાળાના મુદ્દે, ખેડૂતોની સમસ્યા, અવિશ્વાસ પ્રસ્તાવ, એસસી-એસટી સંરક્ષણ અધિનિયમ અને એરઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ જેવા મુદ્દાઓ પર સરકારનો વિરોધ કરી રહ્યા હતા. દેખાવો કરી રહેલા સાંસદોના હાથમાં પ્લેકાર્ડ્સ પણ હતા. દેખાવમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ડાબેરીઓ અને કોંગ્રેસના સાંસદોએ બાગ લીધો હતો. સંસદનું બજેટ સત્ર છઠ્ઠી એપ્રિલે સમાપ્ત થઈ રહ્યું છે. હંગામાને કારણે કાર્યવાહી નહીં થઈ શકવાને કારણે રાજ્યસભામાં ઘણાં મહત્વના બિલ લટક્યા છે

(11:03 pm IST)