Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

મેડિકલી રીતે ફિટ થયા બાદ અભિનંદન ફરીથી ફરજ પર

હવાઈ દળના વડા વિરેેન્દ્રસિંહની જાહેરાત : એરફોર્સની ઉચ્ચ પ્રાથમિકતા મેડિકલ ફિટનેસ : ધનોવા

નવીદિલ્હી, તા. ૪ : એરચીફ માર્શલ વિરેન્દ્રસિંહ ધનોવાએ આજે કહ્યું હતું કે, અભિનંદન વર્થમાનની મેડિકલ ફિટનેસને લઇને ચકાસણી ચાલી રહી છે. અભિનંદનને મેડિકલી રીતે ફિટ જાહેર કરવામાં આવ્યા બાદ તેઓ ફરી વિમાન ઓપરેટ કરી શકશે. વિંગ કમાન્ડર પાકિસ્તાની વિમાનને તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન હવાઈ સંઘર્ષ વેળા તેમનું વિમાન તુટી પડતા પેરાશૂટથી ઉતરી રહ્યા હતા ત્યારે પવનના લીધે પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા જ્યાં તેમને પકડી લેવામાં આવ્યા હતા. જો કે, પાકિસ્તાનની કસ્ટડીમાંથી હાલમાં જ તેઓ મુક્ત થયા છે. આજે પત્રકારો સાથે વાતચીત કરતા ધનોવાએ કહ્યું હતું કે, અભિનંદનના મેડિકલ ચેકઅપની પ્રક્રિયા ચાલી રહી છે. જો જરૂર હશે તો તેમને વધુ સારવાર આપવામાં આવશે. દુશ્મન દેશમાં જઇને પરત આવ્યા છે જેથી મેડિકલ ચકાસણી કરવામાં આવી રહી છે. જે પણ સારવારની જરૂર છે તે સારવાર તેમને આપવામાં આવશે. એક વખતે મેડિકલ ફિટનેસ મળી ગયા બાદ તેઓ ફરીથી ફાઇટર કોકપિટમાં જઈ શકશે. ધનોવાએ કહ્યું હતું કે, જો તેઓ યુદ્ધ વિમાન ઓપરેટ કરવા માટે ફિટ દેખાશે તો તેમને સ્કાડ્રોનમાં સામેલ કરવામાં આવશે. જો ફિટ નહીં રહે તો ફરીવાર ફિટનેસ મેળવવા ઉપર ધ્યાન અપાશે.

ધનોવાએ એમ પણ કહ્યું હતું કે, તમામ મેડિકલ ટેસ્ટની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આઈએએફ માટે મેડિકલ ફિટનેસ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. વિદેશી દેશમાં અને ખાસ કરીને જ્યારે સ્થિતિ તંગ રહે છે ત્યારે કોઇ દેશમાં પહોંચી ગયા બાદ તમામ બોડી ચેકઅપ કરવામાં આવે છે. ધનોવાએ એમ પણ કહ્યું હતું કે, જ્યારે દુશ્મન દેશમાંથી પરત કોઇ અધિકારી ફરે છે ત્યારે પૂર્ણ ચકાસણી કરવામાં આવે છે. મેડિકલ ફિટનેસ ઉપર તમામ બાબત આધારિત રહે છે. ફાઇટર પાયલોટની ફિટનેસ લઇ અમે કોઇ તક લેવા માંગતા નથી. અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનથી પરત ફર્યા બાદ અભિનંદને લશ્કરી હોસ્પિટલમાં આઈએએફના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ શક્ય તેટલી વહેલીતકે ફરી કોકપિટમાં ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

(12:00 am IST)