Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

નિર્ભયા કેસ : દોષિતોને સાત દિવસની મહેતલ પુરી પડાઈ

તમામ વિકલ્પોનો ઉપયોગ કરી લેવાનો આદેશ : દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે કેન્દ્ર અને દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં અપીલ : એક સાથે ફાંસી અપાશે : હાઈકોર્ટ

નવીદિલ્હી, તા. ૫ : કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં હવે નવી અરજી દાખલ કરી દીધી છે. કેન્દ્ર સરકારે નિર્ભયા મામલામાં દિલ્હી હાઈકોર્ટના નવેસરના આદેશની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે આજે નિર્ભયાના દોષિતોને બાકી બચેલા તમામ કાનૂની વિકલ્પોના ઉપયોગ માટે સાત દિવસની મહેતલ આપી હતી. ચારેય અપરાધી મુકેશ, પવન, વિનય અને અક્ષયને એક સાથે જ ફાંસી આપવામાં આવશે. અલગ અલગરીતે ફાંસી આપવામાં આવશે નહીં. દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે ફરીવાર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી ચુકી છે.  કેન્દ્ર સરકારની સાથે સાથે ઉપરાજ્યપાલ મારફતે દિલ્હી સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી દીધી છે. કેન્દ્ર અને દિલ્હી સરકારની દલીલો અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી.

            પટિયાલા હાઉસ કોર્ટે ફાંસી ઉપર સ્ટે મુકી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની એવી અરજીને ફગાવી દીધી હતી જેમાં પટિયાલા હાઉસ કોર્ટના આદેશ પર રોક મુકવા માટે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે ૩૧મી ડિસેમ્બરના દિવસે નિર્ભયાના દોષિતો માટે જારી બીજા ડેથ વોરંટને ટાળીને આગામી આદેશ સુધી ફાંસી આપવા પર રોક લગાવી દીધી હતી. હવે સાત દિવસની મહેતલ આપવામાં આવી છે. દોષિતોને એક સાથે જ ફાંસી આપવામાં આવશે. ટ્રાયલ કોર્ટના આદેશની સામે અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે ટ્રાયલ કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. હાઈકોર્ટે પણ આજે નિર્ભયાના દોષિતોને બાકી કાનૂની વિકલ્પોને સાત દિવસમાં અજમાવી લેવા માટે કહ્યું છે.

              કેન્દ્ર સરકાર તરફથી એવી દલીલ હતી કે, મુકેશના તમામ કાયદાકીય વિકલ્પ પૂર્ણ થઇ ગયા છે જેથી તેને પહેલા ફાંસી આપી શકાય છે. આવી જ રીતે આગળ પણ એક એક કરીને દોષિતોને ફાંસી આપી શકાય છે. તિહાર જેલ વહીવટીતંત્ર દ્વારા પણ દિલ્હી હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તે કોઇપણ આદેશને લાગૂ કરવા તૈયાર છે. એટલે કે જો કોઇ દોષિતને તરત ફાંસી પર લટકાવવાના આદેશ થાય તો તેના માટે પણ તૈયાર છે. ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે દિલ્હીમાં અમાનવીય રેપ અને મારામારીની ઘટનાના ચાર દોષિતો પૈકી મુકેશકુમાર સિંહના તમામ વિકલ્પ પૂર્ણ થઇ ચુક્યા છે. તેની દયાની અરજી ફગાવી દેવામાં આવી છે. બીજી બાજુ અક્ષય અને વિનયની પાસે દયાની અરજીના વિકલ્પ રહેલા છે. પવનની પાસે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન અને રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી માટેના વિકલ્પો છે.

(7:55 pm IST)