Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

સ્કૂલ જતાં બાળકો માટે આ ગામવાસીઓ પહાડ કાપીને રસ્તો બનાવી રહ્યા છે

ભોપાલ તા. ૫ : મધ્ય પ્રદેશના આલીરાજપુર જિલ્લાના અંજનવાડામાં સ્કૂલ જતાં બાળકો નર્મદા નદી પાર કરીને ૧૫ કિલોમીટર દૂર સકરજા પહોંચીને ત્યાંથી ૨૫ કિલોમીટરના પહાડી રસ્તા પર થઈને પગપાળા મથવાડ પહોંચે છે અથવા અંજનવાડાથી પહાડી રસ્તા પર પગપાળા ચાલીને ૩૫ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આ બન્ને માર્ગ મુશ્કેલીથી ભરેલા છે તેમ જ એમાં સમય પણ વધુ લાગે છે.

આ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજે સ્કૂલ જતાં બાળકોની આ મુશ્કેલી દૂર કરી પહાડ કાપીને રસ્તો બનાવવાનું બીડું ઉઠાવ્યું છે. આ રસ્તો બન્યા બાદ બાળકો અંજનવાડાથી સીધા સકરજા પહોંચી શકશે. પછી તેઓ પોતાનું વાહન ખરીદી લેશે જેથી બાળકો સહેલાઈથી સ્કૂલ જઈ શકશે. જોકે અહીં માત્ર પ્રાઇમરી સ્કૂલ છે. આગળના અભ્યાસ માટે બહાર જવું જ પડે છે. પહાડ ખોદવાના કામમાં બાળકો પણ મદદ કરી રહ્યાં છે. ગામના લોકો સવાર પડતાં જ રસ્તો બનાવવાના કામ માટે નીકળી પડે છે. પહાડમાંથી રસ્તો બનાવવા એક કમિટી બનાવવામાં આવી છે અને બધાનો કામનો દિવસ ઠરાવવામાં આવ્યો છે.

આદિવાસીઓને આ કામ માટે સરકાર તરફથી કોઈ સહાય મળી રહી ન હોવાથી તેઓ સકરજાને જોડતી એક સાંકડી પગદંડી જ બનાવી રહ્યા છે. સૌથી વધુ મુસીબત ગામમાં કોઈ બીમાર પડે ત્યારે થાય છે. બીમાર વ્યકિતને ઉઠાવીને ઘણું લાંબે સુધી જવું પડે છે. નવા રસ્તાથી આ તકલીફ દૂર થઈ જશે.

(3:38 pm IST)