Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

કેરળ પોલીસ દ્વારા બિશપ મુલકકલ સામે ચાર્જશીટ

ભારતીય કેથોલીક ચર્ચના ઇતિહાસમાં પ્રથમ બિશપ જેની સામે બળાત્કારના આરોપ હેઠળ કેસ ચાલશે

તિરૂવનંતપુરમઃ કેરળ પોલીસે બિશપ ફ્રાન્કો મુલકકલ વિરૂધ્ધ બે વર્ષના સમયગાળામાં એક નન પર અવાર નવાર બળાત્કાર કરવાના આરોપ અંગેની ચાર્જશીટ દાખલ કરી છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી પણ પછી તે જામીન પર છુટી ગયો હતો. ભારતમા઼ કેથોલીક ચર્ચના ઇતિહાસમાં આ પહેલી ઘટના છે કે કોઇ ઉચ્ચ કક્ષાના પાદરીને જાતીય સતામણીના આરોપ હેઠળ કોર્ટમાં લઇ જવાયા હોય.

બળાત્કારના આરોપ અંગેની આ ચાર્જશીટ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા કેરળની પાલા કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. બિશપ મુલકકલ સામે ઇન્ડીયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ બળાત્કાર, ધાક ધમકી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, ખોટી રીતે કેદમાં રાખવા જેવા આરોપો મુકવામાં આવ્યા છે.

ગયા મહિને ચાર નનો કોટ્ટાયમના પોલીસ વડાને મળી હતી. ચાર્જશીટ દાખલ કરવામાં મોડુ કરાઇ રહયું હોવાની ફરીયાદ  કરતા કહયું હતું કે તેઓ અત્યંત ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. સુત્રો અનુસાર  ડ્રાફટ ચાર્જશીટ ડીસેમ્બર મહિનામાં જ તૈયાર થઇ ગઇ હતી.

વિરોધ કરી રહેલી નનોમાંથી એકે પત્રકારોને કહયું હતું કે ઘણા બધા સંઘર્ષ પછી અમે ચાર્જશીટ દાખલ કરાવી શકયા છીએ. અમને વિશ્વાસ છે કે અમને જરૂર ન્યાય મળશે. તેમણે કહયું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી અમારા પર બહુ દબાણ થઇ રહયું છે. ચર્ચે અમને બીજી નનોથી અલગ પાડી દીધી છે અને કેસને નબળો પાડવા માટે અમને નોટીસો પણ મોકલવામાં આવી છે.

(12:59 pm IST)