Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

આવી ઘટના ફરી ન બને તે માટે સરકાર કડક કાયદો બનાવેઃ સાંસદ નવનીત રાણા

હિંગનઘાટમાં મહિલા પ્રોફેસરને જીવતી સળગાવવાના પડઘા લોકસભામાં પડયા : પીડીતાની સારવાર મુખ્યમંત્રી નિધિમાંથી થશેઃ ઉધ્ધવ ઠાકરે

મુંબઇઃ મહારાષ્ટ્રના હિંગનઘાટમાં મહિલા પ્રોફેસરને જીવતી સળગાવવાની ઘટનાના પડઘા સંસદમાં પણ ગુજયા છેે. લોકસભામાં સાંસદ નવનીત રાણાએ મુદો ઉઠાવી જણાવેલ કે કયા સુધી મહિલાઓ આ રીતે અત્યાચાર સહન કરતી રહેશે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે દ્રષ્ટિથી સરકારે ખુબ જ આકરા કાયદા બનાવવા જોઇએ. આવા મામલાઓમાં ઝડપી ન્યાય ન મળવાથી અપરાધીઓની હિંમત વધે છે.

મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ આ ઘટનાના આરોપીને કડક સજા થાય તે માટે પોલીસને આદેશ આપ્યો છેે. ઉપરાંત તેમણે પીડીતાનો ઇલાજ મુખ્યમંત્રી મેડીકલ સહાયતા નિધિથી કરાવાની પણ જાહેરાત કરી હતી.

ઉપરાંત હિંગનઘાટ ઘટનાને લઇને શહેરમાં પણ ગુસ્સો છે. ગઇકાલે લોકો રસ્તા ઉપર ઉતરી આવેલ. બધા રાજકીય પક્ષોેએ આ ઘટનાની નિંદા કરતા સર્વપક્ષીય માર્ચ કાઢી અધિકારીને આવેદન પણ આપ્યુ હતુ.

જયારે મુખ્યમંત્રી ઠાકરેના આદેશથી ગૃહમંત્રી અનિલ દેશમુખ પોતે મુંબઇથી ડોકટરને લઇને નાગપુર પહોંચ્યા હતા. જયાં પીડીતાની સારવાર ચાલી રહી છે. પીડીતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને આવનાર કલાકો પીડીતા માટે મહત્વના છે. હિંગનઘાટ ઘટનાથી રાજય મહિલા આયોગે વર્ધા પોલીસ અધિક્ષકને નોટીસ આપી મામલાનો તુરંત રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યો છે.

(12:58 pm IST)