Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં મંદિર બાંધશે

રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના : સંસદમાં પીએમ મોદીએ સરકારના નિર્ણયની કરી જાહેરાત : ટ્રસ્ટમાં ૧૫ હશે ટ્રસ્ટી : એક દલિત સમાજમાંથી ૬૭.૦૩ એકર જમીન ટ્રસ્ટને સોંપાશે : મસ્જીદ માટે ૫ એકર જમીન અયોધ્યાના ધનીપુરમાં અપાશે

નવી દિલ્હી તા. ૫ : મોદી કેબિનેટ દ્વારા આજે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના ટ્રસ્ટના ગઠનનો પ્રસ્તાવ રાખ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે કેબિનેટની બેઠકમાં સરકારે આ અંગેનો નિર્ણય લીધો છે. લોકસભામાં પીએમ મોદીએ આ સાથે અયોધ્યામાં સરકાર દ્વારા હસ્તગત કરાયેલ ૬૭ એકર જમીન પણ ટ્રસ્ટને આપવા અંગેની વાત જણાવી હતી. જ્યારે બાબરી મસ્જિદ માટે યોગી સરકારે અયોધ્યાના ધનીપુરમાં પાંચ એકર જમીન આપવાનો નિર્ણય લીધો છે. આ જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવશે. અયોધ્યાના સોહાવલ ગામના ધનીપુરમાં આ જમીન આપવામાં આવશે.

૧૯૯૨માં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડ્યા બાદ જયારે વિવાદ થયો હતો, ત્યાર બાદ ૧૯૯૩માં અયોધ્યામાં વિવાદિત સ્થળ સહિત આસપાસની અંદાજે ૬૭ એકર જમીન કેન્દ્ર સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. ત્યારથી આ જમીન કેન્દ્ર સરકાર પાસે હતી, પરંતુ હવે સરકાર દ્વારા આ રામ મંદિર ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે.

આમ હવે ૬૭ એકર ગેર-વિવાદિત જમીન અને ૨.૫ એકર વિવાદિત જમીન બંને રામ મંદિર ટ્રસ્ટની પાસે હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર' જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને તેને સંબંધિત નિર્ણયો લેશે.આ અંગેનું એલાન સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ પીએમ મોદી ટ્રસ્ટના સભ્યોના નામની પણ જાહેરાત કરે તેવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ૮૭ દિવસે આ અંગેની રૂપરેખા તૈયાર થઇ ચુકી છે. પીએમ મોદીએ લોકસભામાં સંબોધન શરૂકરતાં કહ્યું કે રામ જન્મભૂમિ મુદ્દો મારા દિલની નજીક છે. પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે રામ મંદિર બનાવવા પર યોજના તૈયાર થઇ ગઇ છે. ૫ એકર જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ૧૫ ટ્રસ્ટી હશે, જેમાં એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજનો રહેશે. આ અંગેનું એલાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે.

અમિત શાહે આ અંગેની જાણકારી ટ્વિટર માધ્યમથી કરી છે. શાહે ટવિટ કરતાં કહ્યું કે સામાજિક સોહાર્દને મજબૂત કરનાર આ મહત્વપૂર્ણ નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું.

અમિત શાહે પોતાના ટવિટમાં લખ્યું છે કે ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ઘાના પ્રતિક ભગવાન શ્રીરામ મંદિર પ્રતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કટિબદ્ઘતા માટે હું તેમને કોટિ-કોટિ અભિંનદન કરું છું. આજનો આ દિવસ સમગ્ર ભારત માટે અત્યંત હર્ષ અને ગૌરવનો દિવસ છે.

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે 'શ્રીરામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આજે ભારત સરકારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણની દિશામાં પોતાની કટિબદ્ઘતા દર્શાવતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામના ટ્રસ્ટ બનાવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

અમિત શાહના આ નિવેદન અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ લોકસભામાં આ અંગેની જાણકારી આપી હતી કે કેબિનેટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ અને તેના સાથે જોડાયેલ વિષયો પર નિર્ણય લેવા પૂર્ણ રીતે સ્વતંત્ર હશે.

(3:21 pm IST)