Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

કેરળમાં હોટલના બુકિંગ કેન્સલ થયા

કેરળના પર્યટન ક્ષેત્રને ગંભીર ફટકો પડયો છે

થિરુવનંથપુરમ, તા.૫: કેરળની રાજય સરકારે કોરોના વાઇરસને રાજયનું સંકટ અને આપત્ત્િ। જાહેર કર્યાના એક દિવસ બાદ કેરળના પર્યટન ખાતાના પ્રધાન કડકમપલ્લી સુરેન્દ્રને મંગળવારે જણાવ્યું હતું કે આ રોગચાળો ફાટી નીકળ્યા બાદ કેરળ ખાતેના હોટલના બુકિંગ ફટાફટ રદ્ થવા માંડ્યા છે અને કેરળના પર્યટન ક્ષેત્રને ગંભીર ફટકો પડયો છે.

નિપાહ વાઇરસ અને ભયંકર પૂરની આફત બાદ કોરોના વાઇરસના રોગચાળાએ પણ પર્યટન ઉદ્યોગને ફટકો માર્યો છે અને કેરળમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના મોટા ભાગના હોટલ બુકિંગ રદ્ થઇ ગયા છે, એમ તેમણે રાજય વિધાનસભામાં પ્રશ્ર્નકાળ દરમિયાન જણાવ્યું હતું.

ચીનની વુહાન યુનિવર્સિટીમાં ભણતા અને કેરળના થ્રિસુર, અલાપ્પુઝા તથા કાસરગોડ જિલ્લામાં રહેતા મહિલા મેડિકો સહિતના ત્રણ વિદ્યાર્થીના આ વાઇરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જેને કારણે એલડીએફ સરકારને આ રોગચાળાને રાજયની આફત જાહેર કરવાની ફરજ પડી છે.

નિપાહ વાઇરસના રોગચાળાના સમયે પણ નકારાત્મક પ્રચારને કારણે કેરળના પ્રવાસન ઉદ્યોગને ફટકો પડ્યો હતો. હવે કોરોના વાઇરસને કારણે કેરળના પ્રવાસન ઉદ્યોગને તાળા લાગી ગયાં છે. આ વખતનો ફટકો ઘણો ભારે છે. જેવી કોરોના વાઇરસની ખબર પડી કે તુરંત કેરળના ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના હોટલ બુકિંગ ફટાફટ કેન્સલ થઇ ગયા છે, એમ પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું.

(2:06 pm IST)