Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

કોરોના વાયરસથી ૫૨૦૦૦ લોકો ઉપર ખતરો

૯૪૨ લોકોને ભરખી જનાર આ જીવલેણ વાયરસ હજુ બિહામણુ સ્વરૂપ ધારણ કરે તેની શકયતાઃ ૨૬ દેશના ૨૪૫૩૪ લોકો ઝપટમાં : ચીનમાં જ ૨૪૩૨૪ બિમાર : ટોચના વૈજ્ઞાનિકોનો ચોકાવનારો રિપોર્ટ

બીજિંગ તા. ૫ : ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના વાયરસ અત્યાર સુધીમાં દુનિયાભરના ૨૬ દેશોમાં ૨૪૫૩૪ લોકોને ચેપ લગાડી ચૂકયો છે. આમાંથી ૨૪૩૨૪ લોકો તો ફકત ચીનમાં જ છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ ૪૯૨ લોકોના મોત થઇ ચૂકયા છે. પણ આ વાયરસ હજી વધુ ફેલાશે.

મેડીકલ જનરલ ધ લેસેટનું માનીએ તો કોરોના વાયરસની શરૂઆત ૧ ડીસેમ્બર ૨૦૧૯ના જ થઇ ગઇ હતી, જ્યારે વુહાનની એક વ્યકિતને તેણે પોતાની પકડમાં લીધો હતો. પણ આનો ખુલાસો ચીને ૧ મહિના પછી ૩૧ ડિસેમ્બરે કર્યો. એક મહિનામાં આ રોગનો ચેપ ૪૪ જણને લાગી ચૂકયો હતો.

ઓસ્ટ્રેલીયાના બ્રિસ્બેનમાં આવેલ કવીન્સ લેન્ડ યુનિવર્સિટીના વાયરોલોજીસ્ટ ઇયાન જોકેએ એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું છે કે કોરોના વાયરસ ચીનની બહાર ફેલાઇ ચૂકયો છે. હવે તેને રોકવો થોડો અઘરો છે. તેના કારણે ૨૬ દેશના લોકોમાં ચેપ ફેલાઇ ગયો છે. તેને નિયંત્રણમાં લેવામાં ઘણો સમય લાગશે. આ રિપોર્ટ અનુસાર જો લોકો સાવચેતી નહીં રાખે તો ભવિષ્યમાં ૪૦ હજારથી ૫૨ હજાર લોકોને ચેપ લાગી શકે છે. આ રિપોર્ટ અમેરિકા, ઇટલી અને ચીનના લોકોએ તૈયાર કર્યો છે.

કોરોના વાયરસના ચેપવાળા કુલ લોકોમાંથી બે ટકાના મોત થયા છે. આ રિપોર્ટમાં આશંકા દર્શાવાઇ છે કે ભવિષ્યમાં પણ જો આ દર ચાલુ રહેશે તો ૮૦૦થી ૧૦૪૦ લોકોના મોત થઇ શકે છે.

આ રિપોર્ટ તૈયાર કરનાર વૈજ્ઞાનિકો નામ મેટીયો ચિનજાજી, જેસિકા ટી ડેવીસ, કોરાડે જીયોનીની, મારીયા લિવિનોવા, અના પાસ્તોર પિયોંતી, લુકા રોસી, જિન પુઇ જીયોંગ, એમ.એલીઝાબેથ હૈરોરાન, ઇરા એમ, લોંગિની જૂનિયર અને એલેસાંડ્રો વેસપિનાની છે. આ બધા વૈજ્ઞાનિકો અમેરિકાના લેબોરેટરી ફોર ધ મોડલીંગ ઓફ બાયોલોજીકલ એન્ડ સોશીયો - ટેકનીકલ સિસ્ટમ્સ - બોસ્ટન, આઇએસઆઇ ફાઉન્ડેશન - ઇટલી, ફ્રેડ હચીન્સન કેન્સર રિસર્ચ સેન્ટર સિએટલ અમેરિકા, વોશીંગ્ટન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ફલોરિડામાં વિવિધ પ્રકારના વાયરસો પર રિસર્ચ કરે છે.

(11:10 am IST)