Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

સેબીના નવા ચેરમેન પદે ગુજરાત કેડરના અતનુ ચક્રવર્તીની નિયુક્તિ થવાની શક્યતા

તેઓ હાલ ઇકોનોમિક અફેર્સમાં સેક્રેટરી: સેબી અને આરબીઆઇમાં મહત્વની ભૂમિકા નિભાવી

નવી દિલ્હી : સિક્યોરિટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના નવા ચેરમેન તરીકે ગુજરાત કેડરના એક ઉચ્ચ અધિકારીની નિયુક્તિ થાય તેવી સંભાવના છે. દિલ્હીની બ્યુરોક્રેસીના સૂત્રો કહે છે કે સેબીના ચેરમેન તરીકે અતનુ ચક્રવર્તીની પસંદગી થઇ શકે છે, કારણ કે તેઓ વડાપ્રધાન  મોદીની નજીકના ઓફિસર માનવામાં આવે છે. તેઓ હાલ ઇકોનોમિક અફેર્સમાં સેક્રેટરી છે.

1985 બેચના ગુજરાતના કેડરના આઇએએસ અધિકારી અતનુ ચક્રવર્તી એપ્રિલ મહિનામાં વયનિવૃત્ત થાય છે. તેઓએ ભારતમાંથી બીએ અને યુકે થી એમબીએ કર્યું છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)માં સૌથી વધુ સમય સુધી સેવાઓ આપી હતી. ગુજરાતમાં જ્યારે બજેટની રજૂઆત કરવામાં આવતી હતી ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અતનુ ચક્રવર્તીની સેવાઓ લેવામાં આવતી હતી.

ભારત સરકારમાં અતનુ ચક્રવર્તી ઇકોનોમિક અફેર્સમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. તેઓ એસજી ગર્ગના અનુગામી બન્યા હતા. ગુજરાતમાં તેઓ વિવિધ વિભાગો તેમજ મહત્વના બોર્ડ-કોર્પોરેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. ગુજરાતની બ્યુરોક્રેસીમાં એવું કહેવાય છે કે અતનુ એ પ્રામાણિક અધિકારીની છાપ ધરાવે છે. રાજ્યમાં તેમણે નાણાં, પોર્ટ, હોમ અને લેબરમાં કામ કર્યું છે.

ઇકોનોમિક અફેર્સમાં આવ્યા પહેલાં તેઓ ડીઆઇપીએએમના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. કેન્દ્ર સરકારમાં તેમને 2018-19માં 80,000 કરોડનો ડીઇન્વેસ્ટમેન્ટનો ટારગેટ સોંપવામાં આવ્યો હતો. મોદી શાસનના 2014-19ના સમયમાં તેમણે ઓઇલ મિનિસ્ટ્રીના હાઇડ્રોકાર્બનના ડીજી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. સરપ્લસ રીઝર્વ ટ્રાન્સફરના ઇસ્યુ વખતે અતનુ ચક્રવર્તીએ સેબી અને આરબીઆઇમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી

(11:40 pm IST)