Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

કોલકાતા પોલીસ કમિશનર સામે કાર્યવાહી માટેનો હુકમ

કેન્દ્ર સરકારે બંગાળ સરકારને આદેશ કર્યો : ઘણા પોલીસ અધિકારીઓ સાથે કુમાર ધરણા ઉપર બેસી ગયા છે જે બંધારણની જોગવાઈની વિરુદ્ધમાં છે : સરકાર

નવીદિલ્હી, તા. ૫ : કેન્દ્ર સરકારે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર સામે કઠોર કાર્યવાહી કરવા પશ્ચિમ બંગાળ સરકારને આજે આદેશ કર્યો હતો. સર્વિસ નિયમોના ભંગ અને શિસ્તમાં ભંગ બદલ રાજીવ કુમાર સામે કાર્યવાહી કરવા કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પશ્ચિમ બંગાળ સરકારને આદેશ કરવામાં આવ્યો છે. દેશમાં ભારતીય પોલીસ સર્વિસ અધિકારીઓની સત્તાની બિલકુલ વિરુદ્ધમાં જઇને આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે.

બંગાળ સરકારને કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. ગૃહમંત્રાલયે કહ્યું છે કે, તેમનેે મળેલી માહિતી મુજબ કુમાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કેટલાક પોલીસ અધિકારીઓ સાથે ધરણા ઉપર બેસી ગયા છે જે ઓલ ઇન્ડિયા સર્વિસ રુલ અને ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડકનો ખુલ્લો ભંગ છે. મમતા બેનર્જી સરકાર ઉપર જોરદાર દબાણ વધારી દેવામાં આવ્યું છે.

(7:52 pm IST)